• જય જલારામ સ્કૂલના સંચાલક, મુખ્ય સૂત્રધારના રિમાન્ડમાં પર્દાફાશ

  • ખુદ સ્કૂલ સંચાલકો જ નીટના ઉમેદવારોને પેપર લખવામાં મદદ કરતા હતા
  • દીક્ષિત પટેલના જામીનનો સીબીઆઈએ વિરોધ કર્યો

મેડિકલમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા નીટની પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓના પૂરેપૂરા માર્કસ આવતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં ગોધરાની જય જલારામ સ્કૂલના આરોપી સંચાલક-ટ્રસ્ટી દીક્ષિત પટેલ સહિત પકડાયેલા આરીફ્ વોરા, તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા, વિભોર આનંદ સહિતના આરોપીઓની તપાસમાં ઘણા રહસ્યો બહાર આવ્યા છે.

સીબીઆઈએ દીક્ષિત પટેલના રિમાન્ડ પુરા થતા જેલમાં મોકલી આપ્યા છે. તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, ખુદ સ્કૂલ મેનેજમેન્ટના સભ્યોએ જ પેપર લખવામાં મદદ કરી હતી. સીબીઆઈના ડીવાયએસપી પુષ્પલ પોલની તપાસમાં ગુજરાત સહિત અન્ય રાજયોમાં સામેલ લોકોની સંડોવણીના પુરાવા મળ્યા છે. .જેમાં મુખ્યસૂત્રધાર દીક્ષિત પટેલ પાસેથી એક મોબાઈલ રિકવર કર્યો છે.જેમાં દીક્ષિત પટેલ સ્કુલ સાથે જોડાયેલા વ્યક્તિ સાથે રેગ્યૂલર વાતચીત અને ચેટ કરી હતી તે ડિલીટ કરી નાખી હતી. આ વાતચીત અને ચેટને રિકવર કરી છે. જય જલારામ સ્કુલના પ્રિન્સીપાલ પુરુષોત્તમ શર્મા સાથે મોબાઈલ પર નિયમિત સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા છે, જોકે, તેણે આ ચેટ ડિલીટ કરી નાખી હતી અને તેને રીકવર કરી શકાઈ નથી. જય જલારામ સ્કુલના પ્રિન્સીપાલ પુરુષોત્તમ શર્માના પત્નીએ દીક્ષિત પટેલ પાસેથી નાણાકીય મદદ માગી હતી, તેના ઘણા કોમ્યુનીકેશન અચાનક જ શરૂ થતા હતા અને તેના એકાઉન્ટમાં અગાઉની વાતચીત ડિલીટ કરી નખાઈ હતી. મોબાઈલમાં ફેબ્રુઆરી 2024 પછી NTA/NEET પરીક્ષાને લગતી કોઈ વાતચીત મળી નથી. જોકે, પુરુષોત્તમ શર્માના ફોનમાંથી આ ચેટ રીકવર કરાઈ હતી. જેમાં નીટની પરીક્ષા સંદર્ભે કેટલાક રહસ્યો બહાર આવ્યા છે. આ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી છે અને દિલ્હી, હરિયાણા, ઝારખંડ, ગુજરાત સહિતના રાજયોમાં તેના તાર જોડાયેલા છે. સમગ્ર કૌભાંડમાં દીક્ષિત પટેલની પણ સક્રિય ભૂમિકા સીબીઆઈ તપાસમાં સામે આવી છે.

દીક્ષિત પટેલના જામીનનો સીબીઆઈએ વિરોધ કર્યો

આરોપી દીક્ષિત પટેલની તપાસમાં મહત્વના પુરાવા મળ્યા હોવાથી તેની કસ્ટડી રાખવા અને જામીન મુકત નહીં કરવા માટે સીબીઆઈએ નવ મુદ્દાઓ મુકયા હતા.જેમાં આ મામલે પરીક્ષાની અનિયમિતતાને લગતા દસ્તાવેજો અન્ય સાક્ષીઓના પાસેથી મેળવ્યા છે. સમગ્ર દેશમાં તેનું નેટવર્ક છે તે સાબિત કરતા દસ્તાવેજો અને પરીક્ષાના સાક્ષીઓની તપાસ ચાલી રહી છે. આરોપીની પૂછપરછ દરમિયાન ઘણી અગત્યની બાબતો સામે આવી છે અને આરોપી તેનાથી સારી રીતે વાકેફ્ છે તેથી તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા પુરાવાનો નાશ કરી શકે છે. આરોપી NEET (UG) 2024 પરીક્ષામાં અન્ય રાજ્યોના શકમંદો સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. આરોપીની સમગ્ર દેશમાં લિંક હોવાની મહત્વની કડીઓ મળી આવી છે તેની તપાસ ચાલી રહી છે.

  • Follow us on: