• સીબીઆઈ ટીમ શનિવારે આણંદમાં પૂછપરછ કર્યા બાદ ગોધરા લાવી

  • કસ્ટડીમાં રહેલાં ચાર આરોપીની પણ સીબીઆઇ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ
  •  ઉપરાંત જય જલારામ સ્કૂલના શિક્ષિકા અને એક શિક્ષકના ઘરે સર્ચ કર્યું હતું

નીટ પરીક્ષા ષડયંત્રની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે જય જલારામ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી અને ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરી તેમના રિમાન્ડ મેળવવા માટે ગોધરા કોર્ટમાં રજૂ કરતાં ગોધરા કોર્ટે સીબીઆઇ તપાસ એજન્સીની સ્પેશિયલ કોર્ટ જે અમદાવાદ ખાતે આવેલી છે

ત્યાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ આગળ ધપાવી છે. બીજી તરફ્ સીબીઆઈ ચાર આરોપીઓની કસ્ટડી મેળવ્યા બાદ તેઓની સઘન પૂછપરછ કરી રહી છે.

નીટ પરીક્ષા ષડયંત્રના ગુનાની તપાસમાં શનિવારે સીબીઆઇની ટીમોએ વડોદરા, અમદાવાદ, આણંદ અને જય જલારામસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે તપાસ કરી હતી. આ ઉપરાંત જય જલારામ સ્કૂલના શિક્ષિકા અને એક શિક્ષકના ઘરે સર્ચ કર્યું હતું. શિક્ષિકાને સર્કિટહાઉસ ખાતે બોલાવી લાંબી પૂછપરછ કરવામાં આવી હતી.

બીજી તરફ્ સીબીઆઇની ટીમે જય જલારામ સ્કૂલના સંચાલક અને ચેરમેન દીક્ષિત પટેલના રતનપુર કાંટડી તેમજ આણંદના નિવાસસ્થાને પણ સર્ચ કર્યું હતું. આણંદના નિવાસસ્થાને દીક્ષિત પટેલની લાંબી પૂછપરછ કર્યા બાદ ગોધરા સર્કિટ હાઉસ ખાતે લવાયા હતા. જ્યાં મોડી સાંજે દીક્ષિત પટેલની પરીક્ષા ષડયંત્ર ગુનામાં અટકાયત કરી ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રવિવારે બપોર બાદ તેમને ગોધરા ખાતે જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ સી. કે. ચૌહાણ સમક્ષ રિમાન્ડ મેળવવા માટે અરજી કરી રજૂ કરતાં કોર્ટ દ્વારા હાલ તપાસ એજન્સી સીબીઆઇ હોવાથી દીક્ષિત પટેલને સીબીઆઇની અમદાવાદ ખાતે આવેલી સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ મેળવવા રજૂ કરાયા હતા. સીબીઆઇની ટીમ દ્વારા દીક્ષિત પટેલના તા. 4 સુધીના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ આગળ ધપાવાઇ છે. સીબીઆઇની ટીમ દ્વારા સાતમા દિવસે કસ્ટડી મેળવવામાં આવેલા તુષાર ભટ્ટ, આરીફ્ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સ્થળેથી મેળવવામાં આવેલા ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી હતી. સીબીઆઇ ટીમ દ્વારા નીટ પરીક્ષા કાર્યક્રમ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના પણ નિવેદનો લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના એક વિદ્યાર્થી અને વાલીને સીબીઆઇ દ્વારા નોટિસ આપી પૂછપરછ માટે ગોધરા બોલાવવામાં આવ્યા હતા.


  • Follow us on: