• ઓમકારેશ્વર મંદિરથી 1.13 કિ.મી.નો રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરી બનાવવા માગ

  • સાડા પાંચ કરોડના ખર્ચે રોડ બનાવ્યો પણ લેવલના જ ઠેકાણા નહીં
  • રોડના સ્પાનનું લેવલ પણ ઊંચુ - નીચું હોવાથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની શક્યતા

AMC દ્વારા રૂ. 5 કરોડ, 63 લાખના ખર્ચે શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપ સુધીના 1.13 કિ.મી.નો વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટર બી. આર. ગોયલને સોંપવામાં આવી હતી. આ વ્હાઈટ ટોપિંગ રોડની કામગીરીમાં અપ અને ડાઉનનું લેવલ જાળવવામાં આવ્યું નથી. રોડના સ્પાનનું લેવલ પણ ઊંચુ - નીચું હોવાથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની શક્યતાને પગલે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

આ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો ખર્ચ વ્યર્થ ગયો હોવાનું અને કોન્ટ્રાક્ટરની કથિત બેદરકારી હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કરવા સાથે આ કામગીરીમાં વિજિલન્સ તપાસ કરાવવા માટે AMC કમિશનર એમ. થેન્નારસન સમક્ષ લેખિત માગણી કરી છે.

વિપક્ષી નેતાએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા શહેરના સાતેય ઝોનમાં 22 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. જોધપુર વોર્ડમાં વ્હાઈટ ટોપિંગ રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી છે. એટલું જ નહીં પરંતુ આ રોડની કામગીરીમાં કોઈ પ્રકારે સુપરવિઝન કરવામાં આવ્યું હોય તેમ લાગતું નથી. અંદાજે રૂ. 5.63 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ રોડનું લેવલ જળવાયું ન હોવાથી અકસ્માતો સર્જાવાની શક્યતા છે. જોધપુરમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી નજરે ચઢી છે અને આ રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે તોડાવીને નવો વ્યવસ્થિત વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવો જોઈએ. આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, જોધપુરમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરીમાં કોઈ પ્રકારે ખામી જોવા મળશે તો જવાબદારો સામે પગલાં લેવાશે.


  • Follow us on: