- ગટરો અને કુંડીઓ જલ્દી ખાલી થઇ જતા સફાઇની કામગીરી બની ખુબ જ સરળ,
- 500 સોસાયટીના રહીશોને હેરાનગતિમાંથી મુક્તિ મળી
અગાઉ બે મોટર રર કલાક ચાલુ રાખી ભૂગર્ભ ગટરમાં પમ્પિંગ કરાતું હતું અને હવે માત્ર 8 થી 10 કલાકમાં પમ્પિંગ થઇ જાય છે : કામદારોને પણ મોટી રાહત થઈ
મહેસાણા નગરપાલિકા દ્વારા બિલાડી બાગ અને પરા વિસ્તારમાં નવા પમ્પીંગ સ્ટેશન તથા મેઇન નેટવર્ક લાઇન રુ.3.36 કરોડના ખર્ચે નંખાયા બાદ સીટી-1ની 500 સોસાયટીના અંદાજે 12000થી વધુ પરિવારોને ભૂગર્ભ ગટર ઉભરાવવાની છાશવારે સર્જાતી સમસ્યામાંથી છુટકારો થયો છે. તેમજ અગાઉ 22-22 કલાક ઇલેકટ્રીક મોટર્સ ચાલુ રાખી પમ્પીંગની જે કામગીરી કરાતી હતી તે હવે બે પમ્પીંગ સ્ટેશનના કારણે માત્ર 8 થી 10 કલાકમાં પુરી થઇ જાય છે. તેમજ સફાઇ કામદારોને પણ પમ્પીંગને કારણે ગંદા પાણીનો નિકાલ થઇ જતા ભૂગર્ભ ગટરો અને કુંડીની સફાઇ કરવી સરળ બને છે. ઘણા વર્ષોથી થતી હેરાનગતિથી મુક્તિ મળતા 500 સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો છે.
મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અને ભૂગર્ભ ગટર શાખાના એન્જિનિયર વિશાલ ઓઝાએ જણાવ્યું હતું કે વિસનગર રોડ, વિસનગર લીંક રોડ, માનવ આશ્રામ ચોકડી, ગાંધીનગર લીંક રોડ, સોમનાથ રોડ સહિતના સીટી-1 અને ઓ.જી. વિસ્તારોની 500 સોસાયટીઓ વચ્ચે માત્ર એક જ પમ્પીંગ સ્ટેશન બિલાડી બાગ ખાતે આવેલુ હતું જેની ક્ષમતા 7.33 એમએલડીની હતી.
જ્યારે આ 500 સોસાયટીના 12000 થી વધુ પરિવારો દ્વારા છોડાતા ગંદા પાણીને કારણે ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની ઘટના તથા ગટરો ઉભરાવવાની ઘટનાઓ રોજિંદી થઇ ગઇ હતી અને આ સોસાયટીના રહીશો પણ પાલિકામાં ફરિયાદ કરતા-કરતા તૌબા પોકારી ગયા હતા અને આ સમસ્યાના કાયમી ઉકેલની માગણી કરી હતી.
જેના અનુસંધાને બે વર્ષ પહેલા પાલિકા દ્વારા રુ.3.36 કરોડના ખર્ચે બિલાડી બાગ ખાતે 6 એમએલડીની ક્ષમતા ધરાવતુ નવું પમ્પીંગ સ્ટેશન બનાવવાનું અને પરા ખાતે નવું પમ્પીંગ સ્ટેશન બનાવવાનું અને મેઇન નેટવર્ક લાઇન નાખવાની ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી અને આ કામગીરી શરુ કરાવાઇ હતી.
જે કામગીરી પુરી થતા 500 સોસાયટીના 12000થી વધુ પરિવારોને ગટર ઉભરાવવાની , ગટર ચોકઅપ થવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી ગઇ છે. તેમજ હવે સફાઇ કામદારોને પણ ગટરો અને કુંડીઓ ખાલી મળતી હોવાથી કુંડીમાં જામેલો સ્લજની સફાઇ કરવી સરળ બની છે.
13 પમ્પિંગ સ્ટેશન મારફત ભૂગર્ભ ગટરનું રોજનું 18 એમએલડી ગંદું પાણી સીધુ ખારી નદીમાં ઠલવાયા છે
મહેસાણા સીટી-1માં 3 અને સીટી -2માં 10 મળી કુલ 13 પમ્પિંગ સ્ટેશનો આવેલા છે. જે ભૂગર્ભ ગટરના રોજના 18 એમએલડી જેટલા ગંદા પાણીનું પમ્પિંગ કરીને ખારી નદીમાં ઠાલવે છે. એસટીપી(સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) હજુસુધી તૈયાર થયો ન હોવાથી ગંદા પાણીનો નિકાલ ખારી નદીમાં કરાતો હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
70 ટકા ફરિયાદો ઘટી જવાનો દાવો
નવા પમ્પીંગ સ્ટેશન ચાલુ કર્યા બાદ સીટી-1માં ભૂગર્ભ ગટરને લગતી સમસ્યાની ફરિયાદોમાં 50 થી 70 ટકાનો તોતીંગ ઘટાડો થયાનો દાવો પાલિકાના સુત્રોએ કર્યો છે.
ઇલેક્ટ્રિક મોટર શોર્ટ થઇ જવાની ઘટના બંધ થઇ
અગાઉ એક જ પમ્પિંગ સ્ટેશન હોવાથી તેની બે ઇલેક્ટ્રિક મોટર રર-રર કલાક ચલાવવી પડતી હતી અને તેના પરિણામે મોટર્સ શોર્ટ થઇ જવાની સ્થિતી સર્જાતી હતી જે હવે નવુ પમ્પીંગ સ્ટેશન શરૂ થતા અને તેની ઇલેક્ટ્રિક મોટર્સ હવે માત્ર 8 થી 10 કલાક જ ચાલુ રાખવી પડતી હોવાથી મોટર્સ શોર્ટ થવાની સમસ્યા પણ બંધ થઇ ગઇ છે.