ગુજરાતમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિજયી રથને આગળ ધપાવતાં તમામ બેઠકો પર ભવ્ય જીત નોંધાવી છે. આણંદ જિલ્લા પંચાયત, સાબરકાંઠા તાલુકા પંચાયત, હળવદ તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની પેટાચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.દેવગઢબારિયા નગરપાલિકાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ જબરદસ્ત વિજય મેળવીને મોટો રાજકીય ઉલટફેર સર્જ્યો છે તો ખેડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ચીખલોડ બેઠક પર કોંગ્રેસ પક્ષે ભવ્ય વિજય મેળવ્યો છે
આણંદ જિલ્લા પંચાયત (પાળજ બેઠક):
આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો 5,717 મતોની જંગી લીડથી વિજય થયો છે. સુમિત્રાબેનને કુલ 10,021 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસના જેસંગભાઈ પરમારને 4,304 મત અને આપ (AAP) ના અલ્પેશભાઈ પઢિયારને માત્ર 239 મત મળ્યા હતા.
સાબરકાંઠા તાલુકા પંચાયત (ટેબડા બેઠક):
પોશીના તાલુકા પંચાયત હેઠળ આવતી ટેબડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપંખીયો જંગ ખેલાયો હતો. પોશીના તાલુકા પંચાયતમાં 'આપ' ની બહુમતી હોવા છતાં, આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જોરદાર ટક્કર આપીને 77 મતોથી જીત હાસિલ કરી છે.
હળવદ તાલુકા પંચાયત (રણછોડગઢ બેઠક):
હળવદની રણછોડગઢ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટી પાસેથી આ બેઠક આંચકી લીધી છે. પૂર્વ 'આપ' સદસ્યના અવસાન બાદ યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપના ભરત નંદેસરિયાનો 145 મતોથી વિજય થયો છે.
જૂનાગઢ મહાનગરપાલિકા (વોર્ડ નંબર 3):
જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 3 ની પેટાચૂંટણીમાં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ 1,998 મતોની નોંધપાત્ર સરસાઈથી જીત મેળવીને પક્ષનો ઝંડો લહેરાવ્યો છે.
આ તમામ બેઠકો પરના પરિણામો દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે પોતાની પકડ વધુ મજબૂત બનાવી લીધી છે.
ચીખલોડની પેટાચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા
ખેડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ચીખલોડ બેઠક પર કોંગ્રેસ પક્ષે ભવ્ય વિજય મેળવ્યો છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમણે પોતાના હરીફ ઉમેદવારને 756 મતોની મજબૂત લીડથી માત આપીને આ શાનદાર જીત હાંસલ કરી છે. તાલુકા પંચાયતની આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ કોંગ્રેસના ખેમામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સોનલબેન પરમારની આ જીતથી સ્થાનિક સ્તરે કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે અને પક્ષનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.
દેવગઢબારિયા નગરપાલિકાની પેટાચૂંટણીમાં આપની જીત
દેવગઢબારિયા નગરપાલિકાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ જબરદસ્ત વિજય મેળવીને મોટો રાજકીય ઉલટફેર સર્જ્યો છે. આ પેટાચૂંટણીમાં યોજાયેલી 3 બેઠકોમાંથી AAP એ 2 બેઠકો પર જીત મેળવીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 4ની બંને બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. AAP તરફથી ઉમેદવાર નિધિ જૈન અને સરલાબેન મેડાએ વિરોધીઓને માત આપીને ચૂંટણીમાં જીતનો ભગવો લહેરાવ્યો છે. સ્થાનિક સ્તરે મળેલા આ વિજયથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ પરિણામો આગામી રાજકીય સમીકરણો માટે પણ મહત્વના સાબિત થશે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?