વિશ્વ યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 11 જૂનના સવારે 5.30 થી 7.30 કલાક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેંટ સેન્ટર ખાતે આયોજિત આ વિશિષ્ટ યોગશિબિરમાં આશરે 10 હજારથી વધુ યોગપ્રેમીઓ યોગાભ્યાસ કરશે.
યોગ દ્વારા શારીરિક, માનસિક અને આત્મિક આરોગ્ય તરફ સમાજને પ્રેરિત કરવા તેમજ યોગને જીવનશૈલી બનાવીને વ્યક્તિ-સમાજને તંદુરસ્ત તથા સુખમય બનાવવાના હેતુથી આ સમગ્ર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગના પ્રખર નિષ્ણાંતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ અવસરે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.













