આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપ દ્વારા દરેક જિલ્લા અને તાલુકામાં સંગઠનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે અમરેલી જિલ્લામાં ભાજપના કાર્યકરો અને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાયો છે. વડીયાના ખાન ખીજડિયા ગામમાં આ વિવાદ સર્જાયો છે. ખેડૂતોને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા કહેતા જ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા કહ્યા

અમરેલીના વડિયામાં ખાન ખીજડીયા ગામમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા દ્વારા 45 ગામોને તળાવ નવા કે ઊંડા કરવા બે મહિના માટે હિટાચી મશીન અર્પણ કરાયા છે. તળાવોમાંથી નીકળતી માટી ખેડૂતોને મફતમાં આપવા રાજ્યમંત્રીએ કડક સૂચના આપી છે. આ દરમિયાન ભાજપના કાર્યકર્તા દ્વારા ટ્રેક્ટરમાં માટી આપીને ખેડૂતોને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા કહ્યા હતાં. જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ ખેડૂતો અને ભાજપના કાર્યકર્તા વચ્ચે હોબાળો થયો હતો.

ખેડૂતો રોષે ભરાતા ભાજપમાં સોંપો પડી ગયો

આ ઉપરાંત ટ્રેક્ટરના ફેરાના 50 રૂપિયા લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ હિટાચી મશીન દ્વારા ચાલી રહેલી કામગીરીને બંધ કરાવી હતી. ખેડૂતોને સમાન નહીં ગણવામાં આવે તો કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. ખેડૂતોએ કહ્યું હતું કે, અમને સમાન ગણીને માટી અપાશે તો જ કામગીરી ચાલવા દઈશું. અમરેલી જિલ્લામાં ખેડૂતો રોષે ભરાતા ભાજપમાં સોંપો પડી ગયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.


આ પણ વાંચોઃ Anand News: મુખ્ય ચૂંટણી અધિકારીએ પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી, EVM મશીનનું ચેકિંગ કર્યું