ભાવનગરમાં ભાજપના સંગઠનમાં આંતરિક વિવાદ પ્રકાશમાં આવ્યો છે. શહેરના મેયરે આત્મ વિલોપનની ચીમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. તેમણે ભાજપના ગ્રુપમાં મેસેજ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે મેસેજ વાયરલ કરીને આત્મવિલોપનની ચીમકી આપી હતી. મેયર સાથે અન્યાય થતો હોવાના મેસેજ પણ વાયરલ થયાં છે. ત્યાર બાદ મેયરે પલટી મારી હતી.
ભાવનગરના મેયરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી
ભાવનગરમાં ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. શહેરના મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની સાથે અન્યાય થતો હોવાની વ્યથા ઠાલવી હતી. તેમણે મેસેજ વાયરલ કરીને આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. મેયર સાથે અન્યાય થતો હોવાના મેસેજ વાયરલ થતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો. મેયરે કરેલા મેસેજને ગ્રુપના એડમીને ડીલિટ કરી નાંખ્યા હતાં.
આ અંગે મારી પાસે કોઈ વાત આવી નથી: ભાજપ શહેર પ્રમુખ
આ સમગ્ર મુદ્દે આજે ભાજપના પ્રભારી રત્નાકર ભાવનગરની મુલાકાત લેશે. ભાવનગરના મેયરે આત્મવિલોપનની ચીમકી આપવા અંગે શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, હાલ આ અંગે મારી પાસે કોઈ વાત આવી નથી. આ સમગ્ર ભાજપ પરિવારનો મામલો છે. અમે બધા એક સાથે બેસીને તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશું. ભાજપ કાર્યાલયમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં મેયર ભરત બારડ પણ આવ્યા હતાં.
સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ બોર્ડ ચલાવ્યું
આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ ભાવનગરના મેયર ભરત બારડે પલટી મારી હતી. તેમણે કહ્યું હતું કે, મેં મારા પરિવારમાં વાત કરી હતી. કોઈને દબાવવા માટે આ વાત નથી કરી. મને કોઈ દબાવવા માંગે છે એવું પણ નથી. હું ભાજપનો સિનિયર કાર્યકર્તા છું. 45 વર્ષથી હું પાર્ટીમાં સેવા કરુ છું. બે દિવસ પહેલા જ મનપાની સામાન્ય સભા મળી હતી. જેમાં હોબાળો થતાં શાસક પક્ષના સભ્યો બહાર નીકળી ગયા હતાં. વિપક્ષે બોર્ડ ચલાવીને સભાના 19 એજન્ડા સર્વાનુમતે મંજૂર કર્યા હતાં.









