ગુજરાતમાં ઘણા સમયથી મંત્રઓ અને ધારાસભ્યોને સરકારી અધિકારીઓ નહીં ગાંઠતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જ્યારે પણ મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરતા હોય ત્યારે અધિકારીઓ દ્વારા તેને ધ્યાને નથી લેવામાં આવતી તેવી સરકારમાં રજૂઆત કરાઈ હતી. વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓને લઈને મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને એક પરિપત્ર જાહેર કર્યો હતો.

અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિ રિપોર્ટમાં ઉલ્લેખ

સરકારે જાહેર કરેલા પરિપત્રમાં અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, જ્યારે મંત્રીઓ જિલ્લાના પ્રવાસમાં હોય ત્યારે માન સન્માન સાથે તેમને આવકારવા પડશે. કોઈ જનપ્રતિનિધિ સરકારી કચેરીની મુલાકાતે આવે ત્યારે તેમને રાહ જોવડાવવી નહીં અને તાત્કાલિક આવકારીને તેમની રજૂઆતો સાંભળવી પડશે. સરકારે પરિપત્રમાં એવી ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ સૂચનાનો ભંગ કરાશે તો તેને ગંભીર માનીને જવાબદાર અધિકારી કે કર્મચારી સામે પગલાં લેવાશે. આ બાબતે હવે ધારાસભ્યોએ વિધાનસભામાં પણ ફરિયાદ કરી છે.

અધિકારીઓ ધારાસભ્યોને નથી સાંભળતા

અધિકારીઓ પ્રોટોકોલ નહીં જાળવતા હોવાની ફરિયાદ ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કમિટીમાં કરવામાં આવી છે. સરકારી કાર્યક્રમોમાં પણ ધારાસભ્યોને સ્થાન નહીં અપાતુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સરકારી કાર્યક્રમો સાથે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજાતી બેઠકોમાં પણ સ્થાનિક ધારાસભ્યોની બાદબાકી કરવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતીના રીપોર્ટમાં આવી વિગતો બહાર આવી છે.સમિતિએ પ્રોટોકોલ ન જળવાવવા બાબતે સ્થાનિક વહીવટી તંત્ર તથા સંબંધિત વિભાગને સૂચના આપી છે.


આ પણ વાંચોઃ Surendranagar News : વઢવાણ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં થશે વધારો, દૂધરેજ -ખોડુ- વેળાવદર રોડના રૂ.30.54 કરોડના કામનું ખાતમુહૂર્ત