અમદાવાદ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા શહેરના વસ્ત્રાપુર હાટ ખાતે બાગાયત ખેડૂત હાટ -2026નું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટમાં રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, બાગાયાતદારો સહભાગી થશે.
આ વસ્તુઓનું થશે વેચાણ
બાગાયત ખેડૂત હાટ -2026માં પ્રાકૃતિક બાગાયત ઉત્પાદનો, મૂલ્યવર્ધિત બાગાયતી પેદાશો, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતો અને સંસ્થાઓ ભાગ લેશે. બાગાયત ખેડૂત હાટમાં રાજ્યના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન થયેલ ફળ અને શાકભાજીનું વેચાણ, સામાન્ય રીતે પકવેલા ફળ અને શાકભાજીનું વેચાણ, મૂલ્યવર્ધિત બાગાયતી પેદાશો(જેવી કે જામ, જેલી, શરબત, અથાણાં, કેચઅપ વિગેરે), ગૃહ ઉદ્યોગ અંગેની ફૂડ પ્રોસેસિંગ મશીનરીનું નિદર્શન, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રી (કુંડા, રોપા, કોકોપીટ, સાધનો, ગ્રો બેગ વગેરે)નું પ્રદર્શન અને વેચાણ યોજાશે.













