ગુજરાતમાં સૌથી ખર્ચાળ અને મોંઘી બટાકાની ખેતી થાય છે. ચાલુ વર્ષે સાતથી આઠ કરોડ કટ્ટાનું ઉત્પાદન થવા પામ્યું છે.જેમાંથી 50% પ્રોસેસિંગ અને 50% બટાકા રાશન એટલે કે ખાવાના ઉપયોગ માટે ઉત્પાદન થયું છે.જોકે આ ચાર કરોડ કટ્ટામાં હાલમાં ખેડૂત અને મૂડીમાં પર કટ્ટા દીઠ 200 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે કે અંદાજિત 800 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતને મૂડીમાં થઈ રહ્યું છે. જોકે હાલમાં બટાકા પ્રતિ કિલો પાંચથી સાત રૂપિયે વેચાઈ રહ્યાં છે. જેમાંથી થતી આવક માત્ર કોલ્ડ સ્ટોરેજના ભાડા, બારદાન અને લેબર ખર્ચ પૂરતી છે. ત્યારે મજૂરી અને બિયારણના પ્રતિ કટ્ટે 200નું નુકસાન હાલ ખેડૂતોને થઈ રહ્યું છે.
સહાય માટે બે વખત આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે
ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાય માટે બે વખત આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે પરંતુ સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. ખેડૂતોએ આ નુકસાની ભરપાઈ માટે હવે સરકાર પાસે મદદ માંગી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ ભાડામાં કે ટ્રાન્સપોર્ટ ભાડામાં કે પછી એકર દીઠ વાવેતરમાં સહાય નક્કી કરી આપે તેવી આશા વ્યક્ત કરાઈ છે. ખેડૂતોને છેલ્લા ત્રણ ચાર વર્ષથી રાજ્ય સરકારની ચાર ટકા વ્યાજ લોન પણ મળતી નથી જેથી ખેડૂતો વ્યાજ લોન પણ સમયસર આપવાની માગણી કરી રહ્યા છે.રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ નહીં થાય તો ખેડૂતો દેવાના ડુંગરા નીચે દબાઈ જશે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
