છોટા ઉદેપુર જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે. ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતાં ખેતરોમાં તૈયાર ઊભેલા અને કાપણી કરેલા ડાંગર (ખરીફ પાક) અને કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને પાવી જેતપુર પંથકમાં ડાંગરના પાકને મોટું નુકસાન થતાં કિસાનો ચિંતિત બન્યા છે અને તાત્કાલિક સરકારી સહાયની માગ કરી રહ્યા છે.

[[$googlead]]

કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે

છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, પાવીજેતપુર, બોડેલી અને સંખેડા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના સપના ધોવાઈ ગયા છે. ખેડૂતોએ ઊંચા ભાવે ખાતર અને બિયારણ ખરીદીને સારા પાકની આશા રાખી હતી અને પાક પણ સારો થયો હતો, પરંતુ કમોસમી વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે.

ડાંગરનો પાક તૈયાર થઈ ગયો પણ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો

જિલ્લાના પાવીજેતપુર અને તેની આસપાસના વિસ્તારો સીથોલ, સિહોદ, લોઢણ,રાસલી, પાલિયા વગેરેમાં ડાંગરના પાકને સૌથી વધુ ફટકો પડ્યો છે. ખેતરોમાં કાપેલી ડાંગરો વરસાદના પાણીથી પલળી જતાં તેની ગુણવત્તા બગડી ગઈ છે. તૈયાર પાકને થયેલા આ નુકસાનથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. કેટલાક ખેડૂતો પાસે એક માત્ર ખેતર છે અને તેમાં ડાંગરનો પાક કર્યો હતો. પાકા ટાયર થઈ ગયા બાદ કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક બર્બર થઈ જતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યું છે.

ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ

કમોસમી વરસાદને કારણે થયેલા ભારે નુકસાન બાદ હવે ખેડૂતોની નજર સરકાર તરફ મંડાયેલી છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેમની પડતર કિંમત પણ નીકળી શકે અને તેઓ આ આફતમાંથી બહાર આવી શકે. પાવીજેતપુર પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે જેને લઈને ખેડૂતો સરકાર પાસે સહાયની આશ લગાવી રહ્યા છે.
 
  • Follow us on: