ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી.જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.
કુલ 29.30 લાખ ખેડૂતોને સહાય ચૂકવાઈ
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે,આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ.8710 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે.જે પૈકી આજની સ્થિતિએ કુલ 29.30 લાખ ખેડૂતોને કુલ રૂ.8516 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.













