પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતેથી એક સાથે રાજ્યના 10 જિલ્લામાં 19.98 કરોડના ખર્ચે નવનિર્મિત કુલ 31 પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.આ સમારોહ દરમિયાન ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા રાજ્યના 217 MAITRI ટેકનીશીયનને કૃત્રિમ બીજદાન માટે જરૂરી 12 સાધન-સામગ્રી ધરાવતી કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પશુ વીમા યોજના હેઠળ ક્લેમ મંજૂર થયો હોય તેવા લાભાર્થીઓને વીમા હેઠળ મળવાપાત્ર 40 હજારની રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં વાર્ષિક 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગુજરાતે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.જેમાં રાજ્યના પશુપાલકો ઉપરાંત પશુ સારવાર માટે કામ કરતા રાજ્યના પશુ ચિકિત્સકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો 25 ટકા છે અને ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ચોથા ક્રમે છે.ગુજરાતમાં વાર્ષિક 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ ઓફ ધ યરનું સન્માન
તેમણે ઉમેર્યું હતું કે,ગુજરાતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર રાખવા માટે રાજ્ય સરકારે પશુ સારવાર કેન્દ્ર અને ફરતા પશુ દવાખાના થકી ઘરઆંગણે પશુ આરોગ્ય સુવિધા,પશુ સંવર્ધન માટે રાહત દરે કૃત્રિમ બીજદાન અને IVFની સુવિધા,પશુઓમાં રોગ નિયંત્રણ માટે રસીકરણ અભિયાન,પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા, પશુઓના પોષણ માટેની યોજના તેમજ પશુઓના રક્ષણ માટે પશુ વીમા યોજના જેવી અનેકવિધ નવતર પહેલો કરી છે.આગામી સમયમાં ગુજરાતને પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર રાખવા માટે આજનો સેમીનાર ખૂબ જ મહત્વપૂર્ણ પૂરવાર થશે.આ કાર્યક્રમ દરમિયાન રાજ્યની વેટરનરી કોલેજોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અવ્વલ આવેલા 31 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને “સ્ટુડન્ટ ઓફ ધ યર”ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.