મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે ૫૦ ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે.
૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે.વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્યમાં કુલ ૧૫.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે મગફળીના સમાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ ૨૫ ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. તેવી જ રીતે, રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨ લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું હતું, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૦ લાખ મેટ્રિક ટનના વધારા સાથે કુલ ૫૨.૨૦ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું.
મગફળીની અત્યાર સુધી સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરી
આ વર્ષે ગુજરાતનું મગફળી ઉત્પાદન વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ ૬૬ લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર દ્વારા મગફળી માટે વાવેતર અગાઉ જ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરીને તેમની પાસેથી દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતના એક લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧,૦૬૮ કરોડના મૂલ્યની કુલ ૨ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
૧૨.૨૨ લાખ મેટ્રિક ટન મગફળીની બમ્પર ખરીદી
જેમાં રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડના મૂલ્યની કુલ ૧૨.૨૨ લાખ મેટ્રિક ટન મગફળીની બમ્પર ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવશે.તાજેતરનાં વર્ષોમાં મગફળીના વધેલા બજાર ભાવ, સરકાર દ્વારા જાહેર કરાતા ઊંચા લઘુતમ ટેકાના ભાવ, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સરકાર દ્વારા થતી સીધી ખરીદી અને મગફળીમાં વધારે ઉત્પાદન આપતી નવી જાતોના સંશોધનોના પરિણામે ગુજરાતમાં મગફળીનો વાવેતર વિસ્તાર સતત વધી રહ્યો છે.