ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ.10 હજાર કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા.14 નવેમ્બરથી જ 15 દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

અરજી કરવાની સમય મર્યાદા વધારાઈ

ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ એટલે કે, આગામી તા.5 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે.કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત તા.14 નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ  Amreli News: વન વિભાગે બાળકીને ફાડી ખાનાર દીપડાને પકડવા સાત પાંજરા ગોઠવ્યા, હિંસક પ્રાણીઓના હુમલાથી લોકોમાં ફફડાટ