રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે અને સંપૂર્ણ પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં સબસિડાઈઝડ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચોક્કસ ચકાસણી કરવા તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિઓ સામે કડક કાનૂની પગલાં લેવાના હેતુથી વિશેષ તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

ગેરરીતિઓ સરકાર કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીં

સરકારના આ નિર્ણય અંગે વિગતો આપતા રાજ્યના કૃષિ મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે,ખેડૂતો માટે ફાળવવામાં આવતા સબસિડાઈઝડ ખાતરનો ઔદ્યોગિક કે અન્ય બિન-કૃષિ હેતુઓ માટે ડાયવર્ઝન, ખાતરની સંગ્રહખોરી કરીને બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવી, કાળાબજારી કરવી, બનાવટી ખાતરનું વેચાણ કરવું કે પછી યુરિયા ખાતરની ગુણ સાથે અન્ય પ્રોડક્ટ્સનું ફરજિયાત ટેગિંગ (બળજબરીથી વેચાણ) કરવું જેવી ગેરરીતિઓ સરકાર કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીં.

સ્ટોકની ઝીણવટભરી ચકાસણી કરશે

ખેડૂતોના આર્થિક અને કૃષિ હિતોનું રક્ષણ કરવા માટે જ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ ખાસ તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની ટીમો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.આ યોજના હેઠળ, નિમણૂંક પામેલા તપાસ અધિકારીઓ રાજ્યભરના ખાતરના વિક્રેતાઓ અને ડીલર્સની દુકાનો તેમજ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લેશે. તેઓ પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર નોંધાયેલા આંકડા અને ગોડાઉનમાં ઉપલબ્ધ વાસ્તવિક (ફિઝિકલ) સ્ટોકની ઝીણવટભરી ચકાસણી કરશે. 

ખેતી નિયામક દ્વારા રોજેરોજ સઘન મોનિટરિંગ

આ ઉપરાંત, દરેક જિલ્લામાં યુરિયા ખાતરનું સૌથી વધુ વેચાણ કરતા 'ટોપ ડીલર્સ'ની ખાસ વિગતવાર તપાસ કરવામાં આવશે જેથી ચોક્કસ સપ્લાય ચેઈન જાળવી શકાય. આ સમગ્ર નિરીક્ષણ કામગીરીનું રાજ્યના ખેતી નિયામક દ્વારા રોજેરોજ સઘન મોનિટરિંગ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ ડીલર કે એજન્સી સ્ટોકની ગણતરીમાં અનિયમિતતા, નિયત ભાવ કરતા વધુ ભાવ લેવા, કે યુરિયા સાથે અન્ય સામાનનું ટેગિંગ કરવા જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે, તો તેમની સામે લાયસન્સ રદ કરવા સહિતના અત્યંત કડક કાનૂની પગલાં ભરવામાં આવશે. 

આ પણ વાંચોઃ