રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ એ માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રોત્સાહક પરિણામો ખેડૂતો અને લોકોની સમક્ષ આવી રહ્યા છે અને ગુજરાત તેનું નેતૃત્વ કરી રહ્યું છે.
જમીન અને પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થાય છે
પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામો પર રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ઝીણવટ પૂર્વક સંશોધનો થઈ રહ્યા છે, જેના અત્યાર સુધીમાં આવેલા તારણોએ સાબિત કર્યુ છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. તેમજ જમીન અને પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થાય છે. રાજ્યપાલે જણાવ્યું કે, ગ્રામ્ય સ્તરે પ્રાકૃતિક કૃષિનો ફેલાવો થાય અને વધુને વધુ ખેડૂતો તાલીમ લઈ અને પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા પ્રયાસોને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે. જેના પરિણામ સ્વરૂપે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ પણ વધી રહ્યું છે. જો કે તેના માટે ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોના યોગ્ય સર્ટિફિકેશનની વ્યવસ્થા ગોઠવવા પણ રાજ્યપાલે સૂચન કર્યું હતું. પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ સમાન દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે રાજ્યપાલે સૂચનો આપ્યા હતા. તેમણે રાજ્યભરમાં સેક્સડ સોર્ટડ સિમેન સરળતાથી મળી રહે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચવ્યું હતું.













