સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જઇ રહ્યો છે એવા સમયે સુરતના માંગરોળિયા ગામમાં કમલેશ પટેલનાં ખેતરમાં 20થી વધુ મજૂરો ખરિફ સીઝન પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઘનજીવામૃત બનાવવામાં વ્યસ્ત છે. સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં અંભેટી ગામનાં ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે.કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવે છે. કમલેશ પટેલ પણ માસ્ટર ટ્રેઇનર છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપે છે.


ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

રાજ્યમાં હાલ 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાજંલિ આપી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.સાડા પાંચ હેક્ટરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા રાસાયણિક ખાતરનાં વિકલ્પ તરીકે જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ થાય છે. અને તેની માંગ સતત વધી રહી છે. પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે. કમલેશ પટેલ આ ચર્ચામાં જોડાશે.

ઘનજીવામૃતનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન

વર્ષ-2017થી પ્રાકૃતિક ખેતી કરતા કમલેશ પટેલે ઘનજીવામૃતનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન હાથ ધર્યુ છે.રોજ 1000 બેગ તૈયાર કરે છે અને સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર તેનું વેચાણ કરે છે. ચાલુ વર્ષમાં રોજની 2000 બેગ તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે.ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યનાં ગામડાંઓ ખૂંદી રહ્યા છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે. આ તમામ પ્રયાસોને પરિણામે, ખેડૂતો રસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરી તેના વિકલ્પ તરીકે જીવામૃત અને ઘનજીવામૃતનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરે છે.

ઘનજીવામૃત એક શક્તિશાળી જૈવિક ખાતર

ઘનજીવામૃત એક શક્તિશાળી જૈવિક ખાતર છે. તે જમીન સુધારે છે. ખેતરમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરે છે. જમીનના પોષક તત્વોમાં વધારો કરે છે અને ઉત્પાદન વધારે છે.કમલેશ પટેલે જણાવ્યું કે, “વધુ અને વધુ ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેમને જીવામૃત અને ઘનજીવામૃતની જરૂર પડે છે. ગયા વર્ષે અમે 50,000 થેલીઓ (40 કિલોની એક બેગ) વેચી હતી અને આ વર્ષે એક લાખ ઘનજીવમૃતની થેલીનું ઉત્પાદન કરવાનું આયોજન છે. વર્ષ-2016માં કમલેશ પટેલે સુભાષ પાલેકર દ્વારા આયોજિત ત્રણ દિવસના ‘ઝીરો બજેટ’ પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં ભાગ લીધો હતો અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને તે જ ઘડીએ રાસાયણિક ખાતરને તિલાંજલી આપી અને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો.

આ પણ વાંચોઃ Gujarat local body election result 2026: ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા!


  • Follow us on: