એર ઈન્ડિયા વિમાન નં. AI171ના પાયલોટ સુમિત સુબ્બરવારે 12 જૂનની બપોરે 1.39 વાગ્યે 3 વખત મેડે મેડે મેડે તો કહ્યું, પરંતુ 59 સેકન્ડમાં તો આખીયે ઘટના ઘટી. ડીજીસીએની ટીમ તપાસ માટે અમદાવાદ ખાતે પહોંચી છે અને બ્લેક બોક્સ રીકવર કરી તપાસ આદરી છે. પરંતુ આખીયે આ ઘટના પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે? પ્લેન ક્રેશ ના વીડિયો પરથી જ જાણો કે ક્યાં ચૂક રહી હોઈ શકે છે. જુઓ પ્લેન ક્રેશ વીડિયોનું એનાલીસીસ.
શું છે મેડે મેડે મેડે?
ફુલ ઈમરજન્સી માટે મેડે મેડે મેડે શબ્દનો ઉપયોગ થતો હોય. ઉડ્ડયનમાં સૌથી તાત્કાલિક તકલીફનો સંકેત મેડે કોલ છે, જેનો ઉપયોગ જીવલેણ કટોકટીમાં થાય છે જ્યાં તાત્કાલિક સહાયની જરૂર હોય છે. પાઇલેટ્સ એર ટ્રાફિક કંટ્રોલ અને અન્ય વિમાનોને ગંભીર પરિસ્થિતિ વિશે ચેતવણી આપવા માટે સતત ત્રણ વખત "મેડે, મેડે, મેડે" કહે છે. જેમને તાત્કાલિક મદદની જરૂર હોય છે તે મેડે મેડે મેડે મારફતે એક ગંભીર અને નિકટવર્તી ભયનો સંકેત આપે છે.
શું છે પેન પેન પેન?
ઓછી તાત્કાલિક, પરંતુ હજુ પણ તાત્કાલિક, કટોકટીનો સંકેત પેન-પેન કોલ દ્વારા આપવામાં આવે છે, જેનો ઉપયોગ યાંત્રિક સમસ્યાઓ અથવા તબીબી સમસ્યાઓ વગેરે જેવા ઓછા તાત્કાલિક જોખમો માટે થાય છે.
ટેક ઓફ અને લેન્ડ થતી 30 ફ્લાઇટને અસર થઈ હતી
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ બપોરે 1.38 વાગ્યે ઉપડે છે, ટેક ઓફ થાય છે 1.39 વાગ્યે. જો કે 1.40 વાગ્યે તો આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. પાયલોટ સુમિત સુબ્બરવારે ખતરો પારખી લીધો અને મેડે મેડે મેડે કહી એટીસીને જાણ કરી અને તાત્કાલિક ધોરણે એટીસીએ નોટમ (નોટિસ ટુ એર મેન) જાહેર કરી દીધું. જેના પરિણામે અમદાવાદ એરપોર્ટ પર આ સમય દરમિયાન ટેક ઓફ અને લેન્ડ થતી 30 ફ્લાઇટને અસર થઈ જ્યારે 9 ફ્લાઇટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. વિમાન ક્રેશ થવા પાછળ પાયલોટ ની ભુલ જવાબદાર હોવાનું ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે. તેમના મત મુજબ બર્ડ હીટ થાય તો એન્જિન ફેલ થઈ ન શકે. આ ઉપરાંત ક્યારેય બે એન્જિન એક સાથે ફેલ ન થાય. એક એન્જિન ફેલ થાય તો બીજા એન્જિન ની મદદથી પ્લેન લેન્ડ કરાવી શકે છે.
અકસ્માત થયો તે સમયે વિમાનની ઉંચાઈ ઓછી હતી
- ટેક ઓફ વખતે વિમાન ની ઝડપ ઓછી હોય.
- ટેક ઓફ સમયે સૌ પ્રથમ વિમાનના ટાયર અંદર લેવામાં આવે અને પછી ફ્લેપ બંધ કરવાના રહે જેથી વિમાન એક ઊંચાઈ પર જાય અને પછી તે ગતિ અને ઊંચાઈ મેઈન્ટેઈન થતી રહે.
- પ્લેન ક્રેશની ઘટના માં વિમાન ની ઊંચાઈ હતી માંડ 500 ફૂટ
ફ્લાઈટ હાઈટ પકડી જ શકી નથી
ફ્લાઈટ ટેક ઓફ થાય ત્યારે નિશ્ચિત અંતર બાદ સૌ પહેલા સ્લેટસ અપ (ઉપર) કરવાના હોય છે અને નોઝ ગિયર એટલે કે વિમાનના ટાયર અંદર કરવાના હોય છે. જ્યારે બીજા નંબર પર ફ્લેપ અંદર કરવાના હોય. આ પ્રક્રિયા કરવામાં આવે એટલે એનો અર્થ એમ છે કે પ્લેન હવે ઊંચાઈ પર જવા માટે તૈયાર છે. સ્લેટસ અને ફ્લેપ બંને વિમાન ને નિશ્ચિત ઊંચાઈ પર લઈ જઈ અને વિમાન ને સ્થિર રહેવામાં મદદ કરે છે. જો કે આ વીડિયોમાં વિમાન ના બંને ટાયર બહાર હતા એટલે ભૂલ એ થઈ શકી હોય કે સ્લેટસ અપ અને ફ્લેપ અંદર તો કરી દીધા પરંતુ વિમાન ના ટાયર અંદર કરવાના રહી ગયા હોઈ શકે છે. જેના કારણે વિમાન વજન ન ઝીલી શક્યું અને ફ્લાઇટ હાઈટ મેઈન્ટેઈન કરી શકી નહિ. વીડિયો માં પણ સ્પષ્ટ જોઈ જ શકાય છે કે ફ્લાઈટ હાઈટ પકડી જ શકી નથી. પરંતુ નીચે અને નીચે જ જતું જાય છે.
શું છે સ્લેટસ (Slats) અને ફ્લેપ (flap) અને કેવી રીતે કામ કરે છે?
- જે રીતે પક્ષી ઊડે ત્યારે પાંખ ફફડાવે અને પોતાની ઊંચાઈ જાળવી રાખે એ જ રીતે પ્લેન પણ પોતાની ઊંચાઈ જાળવી રાખી શકે એ માટે સ્લેટસ (Slats) અને ફ્લેપ (flap) નો ઉપયોગ થાય છે.
- વિમાન ના આ બંને ટેક્નિકલ પાર્ટ છે.
- પ્લેનના પાંખિયા ની આગળના ભાગમાં સ્લેટ્સ હોય
- પ્લેન ની પાછળના ભાગમાં ફ્લેપ હોય.
વિમાનના પાર્ટ કામ કરતા ન હતા !
આ ઉપરાંત બીજી શંકા એમ સેવવામાં આવી રહી છે કે વિમાનના બંને પાર્ટ કામ કરતાં જ ન હોય. એટલે કે સ્લેટ્સ અને ફ્લેપ બંધ કરવા માટે પ્રયત્ન થયા હોય પરંતુ બંને પાર્ટ અંદર જઈ ન શક્યા હોય. આ કારણોસર વિમાન ઊંચાઈ પર જાય એ પહેલા જ વજન ન ઝીલી શકવાના કારણે નીચે તરફ આવ્યું હોય અને અથડાયું હોય.
કોઈ પણ વિમાન જ્યારે ટેક ઓફ થાય એ પહેલા તેનું ચેક રન કરવામાં આવે
જેમાં વિમાન ના તમામ પાર્ટ તપાસવામાં આવે. આંતરરાષ્ટ્રીય એર ક્રાફ્ટ હોય તો એવા કિસ્સામાં તપાસ કરવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ હોય જે એન્જિન તથા ટાયર પણ ચેક કરે. આ તપાસ થાય અને બધું જ સમુસુથળું હોય એ પછી જ પ્લેન ઉડે. આ કિસ્સામાં વિમાન તો ઉડ્યું છે એટલે એનો અર્થ એમ કે ચેક રન ની પ્રોસેસ તો યોગ્ય રીતે થઈ છે. ત્યારે વિમાનમાં એવું તો શું બન્યું કે આટલી મોટી દર્દનાક ઘટના બની. આ જાણકારી મેળવવા માટે ડીજીસીએ ની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. ટીમ દ્વારા વિમાનમાં રહેવું બ્લેક બોક્સ પણ રીકવર કરવામાં આવ્યું છે. આ બોક્સમાં પ્લેન ક્રેશ થયાની મિનિટો પહેલા પાયલોટ તથા એટીસી વચ્ચે થયેલા સંવાદ ની તપાસ કરવામાં આવશે જેના આધારે ઘટના પાછળના કારણો કયા જવાબદાર છે તે જાણી શકાશે.









