અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મંદિરમાં શાંતિપાઠ કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિર ખાતે ગીતાનો 15મો અધ્યાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવી રહ્યો છે, મધ્યાહ્ન આરતીમાં વિશેષ સંકલ્પ લેવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારીઓ, સ્થાનિક તીર્થ પુરોહિતો અને ભક્તોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગનો પાઠ કર્યો છે. મહામૃત્યુંજય મંત્ર જાપ અને શાંતિપાઠ દ્વારા દિવંગત આત્માઓના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
તમામ મૃતકોની આત્માઓની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરાઈ
જણાવી દઈએ કે મધ્યાહ્ન આરતી દરમિયાન મૃતકોની આત્માની શાંતિ માટે વિશેષ સંકલ્પ લેવામાં આવ્યો છે. આ દરમિયાન ઉપસ્થિત તમામ યાત્રાળુઓ, પૂજારીગણ અને ટ્રસ્ટ પરિવારે સોમનાથ મહાદેવને દુર્ઘટનાના ભોગ બનેલા તમામ મૃતકોની આત્માઓની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. આ ધાર્મિક વિધિ દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
DNA માટે ક્રોસ વેરિફિકેશન ચાલુ થઇ ગયું છે: ઋષિકેશ પટેલ
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે એડિશનલ સુપરિટેન્ડેન્ટ રજનીશ પટેલે નિવેદન આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 6 મૃતદેહોના DNA પરિવારજનો સાથે મેચ થયા છે અને સિવિલ હોસ્પિટલથી બે મૃતદેહને રવાના કરવામાં આવ્યા છે. પરિવારજનોની પાસે મૃતદેહો મોકલાયા છે. DNA ટેસ્ટ બાદ જ પરિવારજનોને મૃતદેહ સોંપાયા છે. વધુમાં તેમને જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની પુરતી વ્યવસ્થા છે. મૃતદેહ આપવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને પરિવારના લોકોને ફોન કરીને જાણ કરવામાં આવશે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં DNA માટે ક્રોસ વેરિફિકેશન ચાલુ થઈ ગયું છે અને DNA મેચ થયા બાદ પરિવારને જાણ કરવામાં આવશે.









