રથયાત્રાના રૂટ પરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારે આતુરતા અને પ્રતીક્ષાના અંતે ભગવાન જગન્નાથજીનો પ્રથમ રથ જમાલપુર દરવાજાની બહાર નીકળી ચૂક્યો છે. રથ જેવા જ ઐતિહાસિક દરવાજાની બહાર આવ્યા કે તરત જ ત્યાં હાજર હજારો શ્રદ્ધાળુઓએ 'જય જગન્નાથ' અને 'જય રણછોડ'ના ગગનભેદી નારા લગાવીને વાતાવરણને ગજવી મૂક્યું હતું. પોલીસ તંત્ર અને સ્ક્વોડની મદદથી ટ્રાફિક ક્લિયર થતાં હવે યાત્રા ધીમે-ધીમે પોતાના નિયત રૂટ પર આગળ વધી રહી છે. પ્રભુના નગરચર્યાના આ દિવ્ય સ્વરૂપને નિહાળીને ભક્તો ભાવવિભોર બન્યા છે.
જમાલપુર દરવાજા પાસે બલભદ્રજીનો રથ આગળ વધ્યો
અષાઢી બીજના પાવન પર્વે આજે નાથ નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે યાત્રાનો મુખ્ય ભાગ હવે જમાલપુર દરવાજા ખાતે આવી પહોંચ્યો છે. ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ બલભદ્રજીનો રથ ઐતિહાસિક જમાલપુર દરવાજાથી સફળતાપૂર્વક પસાર થઈને આગળના માર્ગ તરફ રવાના થયો છે. જમાલપુર દરવાજા પાસે ઉમટેલા અફાટ જનમેદનીના દ્રશ્યો ડ્રોન કેમેરા અને હાઈ-ટેક સુરક્ષા સિસ્ટમમાં કેદ થયા છે. આકાશી દ્રશ્યોમાં રથયાત્રાનો નજારો અત્યંત ભવ્ય અને અદ્ભુત દેખાઈ રહ્યો છે, જેમાં ભક્તોનું ઘોડાપૂર અને ત્રણેય રથની ભવ્યતા સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રભુના રથોને નિહાળવા આસપાસની ઇમારતોની ગેલેરીઓ અને ધાબા પણ શ્રદ્ધાળુઓથી ચિક્કાર ભરાઈ ગયા છે.
વધુમાં ખાસ વાત એ છે કે, રથયાત્રાના રૂટ પરથી અત્યારે એક ખૂબ જ ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પોતે રથયાત્રાની મોખરે ચાલતા ગજરાજોની સાથે પગપાળા ચાલતા નજરે પડ્યા છે. ખાસ કરીને ગત વર્ષની રથયાત્રા દરમિયાન જે 'બાબુ' નામનો હાથી અચાનક બેકાબુ બન્યો હતો, તેની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે મહંત પોતે તેની બિલકુલ નજીક ચાલી રહ્યા છે. ગત વર્ષની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે ગજરાજોની આસપાસ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. મહંતની હાજરીને કારણે ગજરાજ પણ શાંત અને સંયમિત દેખાઈ રહ્યા છે. મહંતના આ સાહસ અને ગજરાજો પ્રત્યેના તેમના સ્નેહને જોઈને માર્ગો પર ઉભેલા ભક્તો આશ્ચર્યચકિત અને ભાવવિભોર થઈ ગયા છે.
ખાડિયાના માર્ગો પર અખાડાના કરતબોની ધૂમ, સરસપુરમાં ટેબ્લોનું ભવ્ય આગમન
રથયાત્રા હવે મધ્ય અમદાવાદના હૃદય સમાન વિસ્તારોને ભક્તિરસમાં તરબોળ કરી રહી છે. યાત્રામાં સામેલ વિવિધ અખાડાના કાફલા હવે ખાડિયા વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે. ખાડિયાની સાંકડી અને ઐતિહાસિક શેરીઓમાં અખાડાના મલ્લો અને યુવાનોએ એકથી એક ચડિયાતા હેરતઅંગેજ કરતબો અને કસરતના દાવ બતાવીને સ્થાનિકોને રોમાંચિત કરી દીધા છે. બીજી તરફ, સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ દર્શાવતા રંગબેરંગી ટેબ્લોનો મોટો કાફલો ભગવાનના મોસાળ સરસપુર ખાતે આવી પહોંચ્યો છે. સરસપુરના નગરજનો દ્વારા આ સુંદર ટેબ્લોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મોસાળમાં ઉત્સવનો માહોલ વધુ ઘેરો બન્યો છે.
ખાડિયામાં અખાડાના કરતબો રોકીને કાફલાને આગળ ધપાવાયો
રથયાત્રાના રૂટ પરથી અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. યાત્રા પોતાના નિયત સમય કરતાં સતત મોડી ચાલી રહી હોવાને કારણે પોલીસ તંત્ર દ્વારા હવે શેડ્યૂલ જાળવી રાખવા માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ખાડિયા વિસ્તારમાં પહોંચેલા અખાડાના કરતબબાજોને પોલીસે વધુ સમય રોકાવાને બદલે આગળ વધવા માટે 'પુશિંગ' શરૂ કર્યું છે. સમયના અભાવે ખાડિયા ખાતે અખાડાના યુવાનોને પોતાના પરંપરાગત કરતબો બતાવતા રોકી લેવામાં આવ્યા હતા અને કરતબ કર્યા વિના જ તેમને સીધા આગળ ધપાવવાની ફરજ પાડવામાં આવી છે. યાત્રા સમયસર પૂર્ણ થાય અને પાછળ આવી રહેલા રથ સમયસર મોસાળ પહોંચી શકે તે માટે પોલીસ અત્યારે રૂટ ક્લિયર કરાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રાના આકાશી દ્રશ્યો, ઉમટ્યું ભક્તોનું કીડીયારું
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રાના આકાશી દ્રશ્યો, ઉમટ્યું ભક્તોનું કીડીયારું
