ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાએ સફળતાપૂર્વક 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે નાગરિકો માટે આશીર્વાદરૂપ બનેલી 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ 99 લાખથી પણ વધુ ઈમરજન્સી કેસોને પ્રતિસાદ આપીને રાજ્યના લાખો પરિવાર માટે સાચા અર્થમાં લાઈફલાઈન બની છે.કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદ,ગંભીર બીમાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડવાના ઉદાત્ત હેતુથી સરકાર દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી હતી.

ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ 

108 નંબર પર આવતા 99 ટકા જેટલા ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો કરતાં પણ શ્રેષ્ઠ સક્ષમતા દર્શાવે છે.સમગ્ર રાજ્યમાં દર 21 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસની સારવાર માટે રવાના થાય છે.સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13.09 મિનિટ છે. મેડિકલ,પોલીસ અને ફાયર સંબંધિત કટોકટી માટે 24 કલાક અવિરત સેવા આપવાના હેતુથી અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે 15 એકરના વિશાળ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.અહીં લોકેશન બેઝ્ડ સર્વિસ થી સજ્જ અદ્યતન CAD Application ના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે. 

19 વર્ષની સેવાકીય યાત્રાના આંકડાકીય સિદ્ધિઓ

108 ઈમરજન્સી સેવા દ્વારા ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 1 કરોડ 99 લાખ જેટલા કટોકટીના કેસોમાં ત્વરિત સેવા પૂરી પાડવામાં આવી છે.જેમાં મુખ્યત્વે 1 કરોડ 96 લાખ 42 હજારથી વધુ મેડિકલ ઈમરજન્સી કેસો, 2 લાખ 55 હજારથી વધુ પોલીસ સંબંધી ઈમરજન્સી કેસો અને 8 હજાર 300 થી વધુ ફાયર સંબંધિત ઘટનાઓમાં સમયસર મદદ પહોંચાડવામાં આવી છે.આ સફળ કામગીરી દરમિયાન 19 લાખ 66 હજારથી વધુ ગંભીર સ્થિતિમાં મુકાયેલી મહામૂલી માનવ જિંદગીઓને ઉગારી લેવામાં આવી છે.જ્યારે એમ્બ્યુલન્સ વાહનો દ્વારા 62 કરોડથી પણ વધુ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. 

માતા અને બાળ સુરક્ષા તેમજ વિવિધ મેડિકલ ઈમરજન્સીમાં યોગદાન

ગુજરાતમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના સરકારી લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો સિંહફાળો રહ્યો છે.19 વર્ષના સમયગાળા દરમિયાન 62 લાખ 97 હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં કટોકટીના સમયે મદદ પહોંચાડવામાં આવી છે.જેમાં 1 લાખ 64 હજાર 715 થી પણ વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે કે રસ્તામાં સફળતાપૂર્વક કરાવવામાં આવી છે.આ સિવાય 24 લાખ 18 હજારથી વધુ માર્ગ અકસ્માતના કેસો, 11 લાખ 77 હજારથી વધુ શ્વાસ સંબંધિત ગંભીર કેસો અને 9 લાખ 87 હજારથી વધુ હૃદયરોગના હુમલા સંબંધી કેસોમાં દર્દીઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી પ્રી-હોસ્પિટલ કેર પૂરી પાડવામાં આવી છે. 

ગુજરાતમાં 112 ઇમરજન્સી સેવાનું એક વર્ષ પૂર્ણ

રાજ્યમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઇન ‘112’ની સેવાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે.આ એક વર્ષના સમયગાળા દરમિયાન '112' હેલ્પલાઇન દ્વારા 10 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે.112 સેવા ખરા અર્થમાં નાગરીકો માટે લાઈફલાઈન સાબિત થઈ છે.કંટ્રોલ રૂમ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ 10 કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં પોલીસ કે સંબંધિત મદદ પહોંચાડવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Surat News: બોર્ડની પરીક્ષામાં ઉત્તરવાહી મૂલ્યાંકનમાં બેદરકારી, 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખનો દંડ