અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ શાળાના વહીવટ અને મેનેજમેન્ટ સામે વાલીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. હત્યાના બનાવ બાદ શાળાની માન્યતા અને દસ્તાવેજોને લઈને સવાલો ઊભા થતાં, જનાક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિએ શાળાના સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે અને તમામ પુરાવા જાહેર કરવાની માંગ કરી છે.


 શાળાના વહીવટ અને મેનેજમેન્ટ સામે વાલીઓનો રોષ

અંદાજિત 30થી વધુ સભ્યો સાથે જનાક્રોશ વાલી મંડળના સભ્યો સેવન્થ ડે સ્કૂલ ખાતે એકત્ર થયા હતા અને સ્કૂલના મેનેજમેન્ટને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. વાલીઓએ શાળા પાસે તેની માન્યતા, બાંધકામ અને સંચાલન સંબંધિત મહત્વના દસ્તાવેજોની માગણી કરી છે.

વાલીઓએ માગેલા મુખ્ય દસ્તાવેજો

વાલીઓએ માગેલા મુખ્ય દસ્તાવેજોમાં નીચેનાનો સમાવેશ થાય છે. એફિલિએશન સર્ટિફિકેટ (માન્યતા પ્રમાણપત્ર), શાળાની જમીનના લીઝ સંબંધિત દસ્તાવેજો. BU (બિલ્ડિંગ યુઝ) પરમિશનના પુરાવા, મનપા (AMC)ની શો-કોઝ નોટિસ સહિતની માહિતી. વાલી મંડળની માંગ છે કે આ તમામ દસ્તાવેજો માત્ર તેમને જ નહીં, પરંતુ સરકાર અને તમામ વાલીઓને પણ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી શાળાની કાયદેસરતા અંગેની શંકા દૂર થઈ શકે.

 DEO અને AMCની કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, માત્ર વાલીઓ જ નહીં, પરંતુ સરકારી વિભાગો દ્વારા પણ શાળાના દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પણ શાળા પાસે અગાઉ ૧૨ જેટલા મહત્વના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. બે દિવસ પૂર્વે AMCના એસ્ટેટ વિભાગે પણ શાળાને BU અને લીઝ અંગે શો-કોઝ નોટિસ ફટકારી હતી. જોકે, માહિતી મુજબ શાળા પ્રશાસન આ દસ્તાવેજો AMC કે DEO સમક્ષ પણ રજૂ કરી શક્યું નહોતું. હવે વાલી મંડળે આવનારા ૨ દિવસમાં શાળાના મેનેજમેન્ટ દ્વારા આ તમામ પુરાવા વાલીઓને આપવાની માંગ કરી છે. જો આ પુરાવા રજૂ નહીં થાય તો વાલી મંડળ દ્વારા આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

  • Follow us on: