અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિદેશથી આવતી ફ્લાઇટ્સ અને શંકાસ્પદ મુસાફરો પર સતત વોચ રાખવામાં આવી રહી હતી.આ સઘન ચેકિંગ દરમિયાન વિયેતનામથી અમદાવાદ એરપોર્ટ પહોંચેલા એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતાં અધિકારીઓએ તેને રોકીને પૂછપરછ શરૂ કરી હતી.મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતાં તેની પાસે રહેલી ટ્રોલી બેગમાંથી ખાસ રીતે છુપાવેલા 7 વેક્યૂમ પેકેટ મળી આવ્યા હતા.કસ્ટમ્સ અધિકારીઓએ તાત્કાલિક આ તમામ પેકેટોને બહાર કાઢીને તેનું વજન કરતાં કુલ 2.117 કિલો શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ હોવાનું સામે આવ્યું હતું.
ગાંજાના સક્રિય ઘટકો હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા
કસ્ટમ્સ તંત્ર દ્વારા આ શંકાસ્પદ જથ્થાનું પરીક્ષણ કરાવવા માટે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલની મદદ લેવામાં આવી હતી. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ સાતેય પેકેટમાં ગાંજાના સક્રિય ઘટકો હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા હતા.જેને પગલે કસ્ટમ્સના અધિકારીઓએ આ માદક પદાર્થનો સમગ્ર જથ્થો નિયમ મુજબ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી અને વિયેતનામથી આવેલા મુસાફરને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી.કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ઝડપાયેલા મુસાફરની સઘન અને કડક પૂછપરછ હાથ ધરવામાં આવતાં આ કેસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. મુસાફર એરપોર્ટ પર જે ગાંજો લઈને આવ્યો હતો, તેની ડિલિવરી લેવા માટે એરપોર્ટ પરિસરમાં અન્ય એક શખ્સ પણ આવી પહોંચ્યો હતો.
વોટ્સએપ ચેટમાંથી મહત્વની વિગતો પ્રકાશમાં આવી
કસ્ટમ્સની ટીમે સમયસૂચકતા વાપરીને મુસાફર પાસેથી આ માદક પદાર્થનો જથ્થો સ્વીકારવા આવેલા તે શખ્સને પણ ઝડપી લીધો હતો.અધિકારીઓએ બંને આરોપીઓની અટકાયત કરીને તેમના મોબાઈલ ફોનની તપાસ કરતાં તેમાં રહેલા વોટ્સએપ ચેટમાંથી મહત્વની વિગતો પ્રકાશમાં આવી હતી.આરોપીઓના મોબાઈલના વોટ્સએપ મેસેજમાંથી મુસાફરીના આયોજન અને બેગ અંગેના સંદેશા મળી આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો હતો કે આ સમગ્ર પ્રકરણમાં વિદેશમાં બેઠેલા શખ્સો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. વિદેશમાં બેઠેલા શખ્સોના કહેવાથી જ આ મુસાફરની મુસાફરી તેમજ સામાનની વ્યવસ્થા કરાઈ હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી. એરપોર્ટ પરથી ઝડપાયેલા આ શંકાસ્પદ પદાર્થ અંગે કસ્ટમ્સ વિભાગ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એટલે કે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર નેટવર્ક અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ
કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને વિયેતનામથી ગાંજો લાવનાર મુસાફર અને તેની ડિલિવરી લેવા આવેલા શખ્સ એમ બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.કસ્ટમ્સ વિભાગ હવે આ સમગ્ર નેટવર્ક અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યું છે. વિદેશમાં બેસીને આ કામગીરી કરાવનારા શખ્સો કોણ છે અને તેઓ ક્યાંથી આ નેટવર્ક ઓપરેટ કરી રહ્યા હતા તેની કડીઓ મેળવવા તપાસ તેજ કરાઈ છે. વોટ્સએપ ચેટમાં મળેલા મુસાફરી અને બેગ અંગેના સંદેશાઓના આધારે અન્ય લોકોની સંડોવણી બાબતે પણ વિગતો મેળવવામાં આવી રહી છે. કસ્ટમ્સના અધિકારીઓ આ સમગ્ર આંતરરાષ્ટ્રીય કડીઓની ઊંડાણપૂર્વક તપાસ કરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા વધુ તથ્યો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: કરજણ નદીના બ્રિજની નબળી ગુણવત્તા સામે સરકારની કાર્યવાહી, કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ