અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી બાળકોની શંકાસ્પદ હેરફેરનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રેલવે સુરક્ષા બળ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRPF) અને સ્થાનિક સામાજિક સંસ્થા (NGO) ના સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર એક ગુપ્ત બાતમીના આધારે ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન સ્ટેશન પર આવેલી એક ટ્રેનમાંથી શંકાસ્પદ હાલતમાં મુસાફરી કરી રહેલા કુલ 22 જેટલા સગીર વયના બાળકોને રેસ્ક્યુ કરીને મુક્ત કરાવવામાં આવ્યા હતા.
ટ્રેન મારફતે બાળકોને અમદાવાદ લવાયા
પોલીસ અને સામાજિક સંસ્થાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમામ 22 સગીર બાળકોને ઉત્તરપ્રદેશ (UP) અને બિહાર જેવા રાજ્યોમાંથી ટ્રેન માર્ગે અહીં અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ માસૂમ બાળકોને કોઈ ફેક્ટરીઓ, હોટલો અથવા અન્ય જોખમી સ્થળોએ બાળમજૂરીના કાળા ધંધામાં ધકેલી દેવાના બદઈરાદાથી જ લવાયા હોવાની પ્રબળ આશંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઓપરેશનને પગલે બાળકોની ગેરકાયદેસર હેરાફેરી કરનારા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
