અમદાવાદ શહેરમાં રખડતાં શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરને રેબીસ ફ્રી બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી,પરંતુ વાસ્તવિક આંકડા તદ્દન વિપરીત સ્થિતિ દર્શાવે છે.ચાલુ વર્ષ દરમિયાન માત્ર નવ મહિનામાં જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બરના અંત સુધીમાં શહેરમાં રખડતાં કૂતરાં કરડવાના કુલ 65,313 કેસ સત્તાવાર રીતે ચોપડે નોંધાયા છે.આ આંકડો સ્પષ્ટ કરે છે કે પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો શ્વાન કરડવાનો ભોગ બની રહ્યા છે.લોકોને કૂતરા કરડવાની સાથે બિલાડી કરડવાના પણ 5747 કેસ નોંધાયા છે.
રખડતાં કૂતરાંની નવી વસતી ગણતરી શરૂ કરવામાં આવી
છેલ્લા સાત વર્ષના સમયગાળામાં તંત્ર દ્વારા 1,96,894 જેટલાં રખડતાં કૂતરાંનું મોટા પાયે ખસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં કરડવાના બનાવો અટકવાનું નામ લેતા નથી.આટલી મોટી સંખ્યામાં ખસીકરણની કામગીરી પૂર્ણ થયા પછી પણ રખડતાં શ્વાન કરડવાના કેસો આટલા મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા હોવાથી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ શહેર સંપૂર્ણ રેબીસ-ફ્રી બની જાય તેવી કોઈ શક્યતા કે સંભાવના દેખાતી નથી.શહેરમાં રખડતાં શ્વાનની સંખ્યા નિયંત્રિત કરવા માટે કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા વસતી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે.અગાઉના આંકડા તપાસીએ તો વર્ષ 2019માં અમદાવાદ શહેરમાં અંદાજે 2.10 લાખ જેટલાં રખડતાં કૂતરાં હોવાનો અંદાજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યો હતો.આ અંદાજ બાદ વર્ષ 2026માં કોર્પોરેશનના સી.એન.સી.ડી.વિભાગ તરફથી શહેરમાં રખડતાં કૂતરાંની નવી વસતી ગણતરી શરૂ કરવામાં આવી છે.

