અમદાવાદ શહેરને વર્લ્ડ ક્લાસ અને સ્માર્ટ સિટી બનાવવાના AMCના પોલા દાવાઓની પોલ શહેરના 7 મુખ્ય બ્રિજના એનાલિસિસથી ખુલ્લી પડી ગઈ છે.પ્રજાના લોહી-પરસેવાની કમાણીમાંથી કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને બનાવાયેલા આ બ્રિજ સુવિધા આપવાને બદલે શાસકો અને અધિકારીઓની નીતિ-રીતિના કારણે આફત સાબિત થયા છે.માત્ર 3 વર્ષમાં 2 બ્રિજ ખખડ્યા, એકનું રિપેરિંગ, અન્ય 2 બ્રિજને જમીન દોસ્ત કરવાની નોબત આવી છે.

AMCના ઉચ્ચ અધિકારીઓ શું ઊંઘતા હોય છે?

હાટકેશ્વરમાં 40 કરોડનો બ્રિજ બન્યાના ગણતરીના મહિનાઓમાં બંધ કરી તોડી પાડવો પડે,અજિત મિલમાં બ્રિજ બન્યા બાદ નીચેથી વોટર લાઇન નીકળતા ડિઝાઇન બદલવી પડે,રાણીપમાં જગ્યા માટે 50 કરોડ વધુ ચૂકવવા પડે કે પછી પલ્લવ અને ઇન્કમટેક્સમાં કરોડોનો વધારાનો ખર્ચ થાય આ તમામ કિસ્સાઓ તંત્રની ઘોર નિષ્ફળતા અને ભ્રષ્ટાચારની સાક્ષી પૂરે છે.કાગળ પર પ્લાનિંગ કરતી વખતે કન્સલ્ટન્ટ્સ અને AMCના ઉચ્ચ અધિકારીઓ શું ઊંઘતા હોય છે? બ્રિજ શરૂ થયા બાદ ટેકનિકલ ખામીઓ સામે આવે ત્યારે કમિશનર, મેયર કે શાસકો કન્સલ્ટન્ટસ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના બદલે મૌન ધારણ કરી લે છે. 

અમદાવાદ બ્રિજ

આયોજનથી લઈને લોકાપર્ણ સુધી અનેક ખામીઓ

સત્તાધારથી લઈને પાંજરાપોળ સુધી બજેટ વધારીને પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ કરાયો છે.આડેધડ ડિઝાઇનને લીધે વાહનચાલકો દરરોજ ટ્રાફિક જામ અને અકસ્માતનો ભોગ ભોગવી રહ્યા છે છતાં મેયરથી લઈને કમિશનર સુધીના પદાધિકારીઓને બધાજ બ્રિજમાં કોઈ ખામી લાગતી નથી અત્યાર સુધી સાતથી વધુના બ્રિજમાં લોલમ લોલ,ગોબાચારી બહાર આવી હોવા છતાં એક પણ અધિકારી જેલના સળિયા પાછળ ધકેલાયો નથી એના અર્થ એ થાય છે કે નીચેથી લઈને ઉપર સુધીના તમામ લોકોની સાંઠગાંઠ છે. મકરબા બ્રિજમાં પણ આયોજનથી લઈને લોકાપર્ણ સુધી અનેક ખામીઓ ખુલીને બહાર આવી છે.

અણઘડ આયોજન અને લાલિયાવાડીનો એક મોટો દાખલો

બ્રિજ એ માત્ર લોખંડ,સિમેન્ટ અને કોંક્રીટનું માળખું નથી પણ રોજબરોજ તેના પરથી પસાર થતા લાખો નાગરિકોની જિંદગીની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. અમદાવાદના સ્માર્ટ સિટીઝન્સ ટેક્સ ચૂકવે છે તે સુવિધાઓ માટે,અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા માટે નહીં.જ્યાં સુધી કમિશનર કક્ષાએથી સીટી એન્જિનિયર વિભાગની ‘અંગત લાયબિલિટી’ નક્કી કરતી કડક નીતિ ઘેરવામાં નહીં આવે,ત્યાં સુધી પેપર પર બનતી ફેન્સી પ્લાન્સ જનતા માટે મુસીબત જ બનતા રહેશે.ઔડા અને રેલવે વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેલા બોપલ-ઘુમા-શીલજ રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટ તંત્રના અણઘડ આયોજન અને લાલિયાવાડીનો એક મોટો દાખલો છે. 

અમદાવાદનો બ્રિજ

બ્રિજ ઉતરતાં જ દીવાલ અને ડેડ-એન્ડ અણઘડ પ્લાનિંગ

આશરે રૂ.65 થી 70 કરોડના ભારે ખર્ચે બ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાં તેના દક્ષિણ છેડે (મણિપુર-શીલજ તરફ) ઉતરતાં જ આગળ કોઈ રસ્તો જ નહોતો! બ્રિજ જ્યાં ઉતરે છે તેની આગળની આશરે 80 હેક્ટર જમીન એગ્રીકલ્ચર ઝોનમાં આવતી હતી.તંત્રએ બ્રિજ બાંધતા પહેલાં ત્યાં રસ્તો બનાવવા કે ટીપી સ્કીમ લાગુ કરવા અંગે કોઈ જમીન સંપાદન કે આયોજન કર્યું જ નહોતું.રેલવે વિભાગે ભાગનું કામ પૂરું કરીને ઔડાને અગાઉથી જ પત્રો લખીને જાણ કરી હતી કે આગળ રોડ કનેક્ટિવિટી નથી.તેમ છતાં ઔડા દ્વારા યોગ્ય સમયે રસ્તાનું કામ હાથ ધરવામાં આવ્યું નહીં.

આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદ સહિત હાઈવેની ડિઝાઈન બદલાશે,4 અને 6 લેનના પ્રોજેક્ટ્સને લાગુ પડશે