અમદાવાદના રાણીપ વિસ્તારમાં અજય સાલ્વી નામના યુવકની જૂની અદાવતમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. અગાઉ થયેલા બે ઝઘડાની અદાવત રાખીને મુખ્ય આરોપીઓ અંકિત અને વિશાલે યોજના બનાવી હતી. તેમણે અલગ-અલગ બહાને અન્ય સાગરીતોને એકઠા કર્યા હતા અને વિશાલે ટેમ્પોમાં ઘાતક હથિયારો છુપાવી રાખ્યા હતા. આ ઘટનામાં રાજુ મારવાડી ટેમ્પો ચલાવી રહ્યો હતો, જેનો ઉપયોગ હુમલાખોરોને લાવવા અને હથિયારો સપ્લાય કરવા માટે કરાયો હતો.
છત્રાલમાંથી આરોપીઓની ધરપકડ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ 4થી 5 ટીમો બનાવી હતી અને તમામ બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સઘન તપાસના અંતે પોલીસે છત્રાલમાંથી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે માઇનોર (સગીર) નો પણ સમાવેશ થાય છે. ઝડપાયેલા મુખ્ય આરોપીઓમાં રાજેશ ભોઈ ઉર્ફે રાજુ કાળિયો, સન્ની મકવાણા, મિતેશ પુરાબીયા ઉર્ફે બકરો મિથુન, હેનીલ પરમાર ઉર્ફે હર્ષવર્ધન અને મુકેશ મકવાણા ઉર્ફે કાળુ સામેલ છે. પોલીસ હાલ આ ઝડપાયેલા તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
