અમદાવાદ શહેરમાં વરસાદી સીઝન દરમિયાન રોડ-રસ્તા ધોવાઈ જવા અને ભુવા પડવાની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. શહેરના અત્યંત વીઆઈપી અને ધમધમતા ગણાતા એરપોર્ટ-હાંસોલ રોડ પર અચાનક 20 ફૂટ જેટલો ઊંડો મસમોટો ભુવો પડી જતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, આ માર્ગ પર તાજેતરમાં જ ડ્રેનેજ લાઈનનું ખોદકામ અને કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કામ પત્યા બાદ કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા માટીનું યોગ્ય પૂરણ (બેકફિલિંગ) કરવામાં આવ્યું નહોતું, જેના પરિણામે આ ગંભીર હોનારત સર્જાઈ છે.

ભુવો પડતાં મોટો અકસ્માત ટળ્યો, AMCએ સમગ્ર રોડ કોર્ડન કર્યો

એરપોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી અહીં સતત વાહનોની ભારે અવરજવર રહે છે. સદ્નસીબે 20 ફૂટ ઊંડો ભુવો પડ્યો ત્યારે કોઈ વાહન તેમાં ગરકાવ ન થતાં મોટો અકસ્માત અને જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો એસ્ટેટ અને ઈજનેર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બેરિકેડ્સ મૂકીને સમગ્ર રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર પર રોક લગાવાઈ છે.

તંત્રની લોલમલોલ કામગીરી સામે સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ

એરપોર્ટ જવાના મુખ્ય માર્ગ પર જ 20 ફૂટનો ભુવો પડવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી બાદ કરવામાં આવતી નબળી ચકાસણી અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી સામે શહેરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા માત્ર બેરિકેડ્સ મૂકીને સંતોષ માનવાને બદલે તાત્કાલિક ધોરણે યોગ્ય પૂરણ કરી રોડનું કાયમી રિપેરિંગ કરવામાં આવે જેથી એરપોર્ટ તરફ જતાં મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો