અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના સ્લમ કે ગીચ વિસ્તાર એવા ખંભારવાડા જુમ્મા મસ્જિદ પાસે દરોડો પાડ્યો હતો. અહીં એક રહેણાંક મકાન પાસે જાહેરમાં માદક પદાર્થ ગાંજાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની વિગતો પોલીસને મળી હતી. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી નશાના કારોબાર સાથે સંકળાયેલા એક વૃદ્ધ શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
મુદ્દામાલ સાથે 76 વર્ષીય ઇકબાલભાઈ સિપાઈની ધરપકડ
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપીની ઓળખ ઇકબાલભાઈ ઉર્ફે સુમ જીવાભાઈ સિપાઈ (ઉંમર વર્ષ 76, રહે. ખંભારવાડા, વિરમગામ) તરીકે થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરીને ઘટનાસ્થળેથી કુલ 335.5 ગ્રામ નશાકારક ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 16,775 આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલો રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. આમ, પોલીસે કુલ રૂપિયા 21,775નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.













