અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના ધંધાનો વિરોધ કરવા બદલ બૂટલેગરો અને સ્થાનિક રહીશો વચ્ચે હિંસક મારામારી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સોસાયટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર બૂટલેગરે પોતાના સાગરીતો સાથે મળીને હિચકારો હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

દારૂ વેચવાની ના પાડતા બૂટલેગર ઉશ્કેરાયો

સોસાયટીના રહીશોનો ગંભીર આક્ષેપ છે કે આ વિસ્તારમાં ઘણા સમયથી બેખોફ બનીને દારૂનો વેપાર ચલાવવામાં આવી રહ્યો છે. સોસાયટીની શાંતિ જોખમાતી હોવાથી રહીશોએ એકઠા થઈને બૂટલેગરને અહીં દારૂ ન વેચવા માટે કડક શબ્દોમાં મનાઈ કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા બૂટલેગરે સ્થાનિકોને પાઠ ભણાવવાના ઈરાદે બહારથી અસામાજિક તત્વો અને ગુંડાઓનું ટોળું બોલાવી લીધું હતું. આ બહારના શખ્સોએ સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.

મહિલાઓને પણ બેરહેમીથી ફટકારી

આ હિંસક હુમલા દરમિયાન બૂટલેગર અને તેના સાગરીતોએ માનવતાની તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. તેઓએ પુરુષોની સાથે-સાથે વચ્ચે બચાવ કરવા આવેલી સોસાયટીની મહિલાઓને પણ લાકડીઓ અને છુટા હાથે ઢોર માર માર્યો હતો. બૂટલેગરોના આ આતંકથી સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં જ ચાંદખેડા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો