અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક માથાકૂટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોએ ક્રિકેટ મેદાનમાં ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર વિવાદની શરૂઆત સ્થાનિક સ્કૂલમાં એકબીજા પર પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતે થઈ હતી. આ સામાન્ય ઝઘડાનો બદલો લેવા માટે કુલ 8 આરોપીઓની એક આખી ટોળકી લાકડાના દંડા, બેલ્ટ અને ક્રિકેટના સ્ટમ્પ જેવા ઘાતક હથિયારો સાથે ક્રિકેટ મેદાનમાં ધસી આવી હતી.

ફરિયાદી અને મિત્રો પર કર્યો હુમલો

આરોપીઓએ મેદાનમાં રમી રહેલા ફરિયાદી અને તેના મિત્રો પર ઓચિંતો હુમલો કરીને તેમને બેરહેમીપૂર્વક ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીઓએ હિંસકતાની તમામ હદો પાર કરી દીધી હતી. તેમણે ક્રિકેટના ચાલુ મેદાનની અંદર જ પોતાની કારને અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડાવીને ફરિયાદી યુવક પર સીધી ચઢાવી દેવાનો અને તેને જાનથી મારી નાખવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો, જેના કારણે મેદાનમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

રામોલ પોલીસે મુખ્ય આરોપી 'ગામુ' અને શિવાની ધરપકડ કરી

આ ચકચારી અને જીવલેણ હુમલાની ઘટના અંગે ફરિયાદ નોંધાતા જ રામોલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એક્શન મોડમાં આવ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે દંડા મારનાર અને પૂરઝડપે ગાડી હંકારનાર મુખ્ય બે આરોપીઓ વિશેષ ઉર્ફે ગામુ અને શિવા નામના શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ગુનામાં સામેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય 3 સગીરોને પોલીસે રાઉન્ડઅપ કરીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો