અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા સીટીએમ કેનાલ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. વાહન ચાલક જ્યારે પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક વાહનમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું અને ક્ષણવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ચાલુ વાહનમાં ધુમાડાના ગોટા ઊડ્યા

ચાલુ વાહનમાં અચાનક ધુમાડાના ગોટા ઊડતા જ વાહન ચાલકે સતર્કતા દાખવીને તુરંત જ સ્કૂટર સાઈડ પર ઊભું રાખી દીધું હતું અને નીચે ઉતરી ગયો હતો. જોતજોતામાં આખું સ્કૂટર આગની લપેટમાં આવી ગયું હતું અને બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે વાહન ચાલકે સમયસૂચકતા વાપરીને સ્કૂટર પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

સ્થાનિકોમાં અફરાતફરી અને ઈ-વાહનોની સુરક્ષા સામે પ્રશ્નો

મુખ્ય માર્ગ પર ચાલુ સ્કૂટરમાં આગ લાગવાના કારણે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રસ્તેથી પસાર થતાં વાહનચાલકો થંભી ગયા હતા. ઉનાળા કે બેટરીની ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા હોવાથી આ ઘટના બાદ પણ ઈ-વાહનોની ગુણવત્તા અને બેટરી સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો