ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેરમાં કોમી એકતા, શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી એક વિશેષ એકતા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ અને સ્થાનિક શાંતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં કોમી ભાઈચારો જાળવી રાખવાનો અને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવવાનો છે. આ ભવ્ય બાઇક રેલી શહેરના સંવેદનશીલ ગણાતા પ્રેમ દરવાજા વિસ્તારથી શરૂ થઈને જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિર સુધી પહોંચી હતી.
સાયબર સ્કેમ અને મહિલા સુરક્ષાના બેનરો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાતે ઉપસ્થિત રહીને લીલી ઝંડી બતાવી આ એકતા બાઇક રેલીનું ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓ ૭૫થી વધુ બાઇક સવાર થઈને જોડાયા હતા. રેલીમાં માત્ર કોમી એકતા જ નહીં, પરંતુ વર્તમાન સમયની મોટી સમસ્યાઓ જેવી કે સાયબર સ્કેમ (Cyber Scam) થી બચવાની જાગૃતિ, મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમો અને નશાબંધી સહિતના સામાજિક જાગૃતિ ફેલાવતા વિવિધ આકર્ષક સ્લોગન અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
