અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ રોકવા માટે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશને મોટી સફળતા મળી છે. અસલાલી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને એક બોલેરો મેક્સી ટ્રકને આંતરી હતી. પોલીસ દ્વારા વાહનની સઘન તલાશી લેવામાં આવતા તેમાંથી કોઈપણ જાતના કાયદેસરના પાસ કે પરમિટ વિના છુપાવીને રાખવામાં આવેલો કફ સીરપની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કફ સીરપની કુલ 358 બોટલો, બોલેરો ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


એકની ધરપકડ, અન્ય બે સાગરીતો વોન્ટેડ જાહેર

આ ગેરકાયદેસર કાળા કારોબારના કેસમાં વાહન ચાલક ખોડાભાઈ ઉર્ફે રોહિત ઠાકોરની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન પણ કબજે લીધો છે. આ નેટવર્કમાં અન્ય બે સાગરીતોના નામ પણ ખુલ્યા છે, જેમાં જીજ્ઞેશભાઈ ગબ્બરભાઈ ઠાકોર અને રવી અજીતભાઈ પગીનો સમાવેશ થાય છે. પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે. પકડાયેલા અને ફરાર તમામ આરોપીઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

યુવાનોને બરબાદ કરવાનું ગેરકાયદેસર નેટવર્ક

આ પ્રતિબંધિત નશાયુક્ત કફ સીરપનો જથ્થો ખાસ કરીને સ્થાનિક યુવાનોને નશાના રવાડે ચડાવવા અને ગેરકાયદેસર રીતે વેચવા માટે લાવવામાં આવ્યો હતો. આ સીરપની આડમાં યુવાધનને બરબાદ કરવાનું મોટું નેટવર્ક સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. અસલાલી પોલીસે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી એ જાણી શકાય કે આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં તેને સપ્લાય કરવાનો હતો. પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: