અમદાવાદ શહેરના ટ્રાફિકથી ધમધમતા શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે એક અત્યંત કમકમાટીભરી અને જીવલેણ માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. મૂળ રાજસ્થાનનો રહેવાસી અને આશરે 19થી 20 વર્ષનો યુવરાજ નામનો યુવાન પોતાના ઈલેક્ટ્રિક (EV) મોપેડ પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જાણીતી ડીપીએસ (DPS - દિલ્હી પબ્લિક સ્કૂલ) ની બસના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને યુવરાજના મોપેડને જોરદાર હડફેટે લીધું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે યુવાન રોડ પર ફંગોળાયો હતો.
યુવરાજના માથા પર બસનું કાળમુખું ટાયર ફરી વળ્યું
અકસ્માતની આ ગોઝારી ક્ષણે કાળમુખી સ્કૂલ બસનું વજનદાર ટાયર સીધું જ યુવરાજના માથાના ભાગે ફરી વળ્યું હતું, જેને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ યુવરાજનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું હતું. આ કાળજું કંપાવી દેનારી સમગ્ર દુર્ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. અકસ્માત સમયે ઘટનાસ્થળ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રોડ પર ખોદકામ ચાલી રહ્યું હતું, જેને કારણે રસ્તો સાંકડો થતાં આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
