અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ધમધમતા RTO ચાર રસ્તા પાસે અને બિલકુલ પોલીસ ચોકીની સામે જ એક સનસનાટીભરી અને ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા અસામાજિક તત્વોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે પ્રાણઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ ચોકીની અડીને જ બનેલી આ સનસનાટીભરી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારના સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે દહેશત અને ચકચાર મચી ગઈ છે.

જૂની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી વિગતો અનુસાર મૃતક યુવકની ઓળખ અજય સાલ્વી તરીકે થઈ છે. જૂની અંગત અદાવતને લીધે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. 8થી 10 જેટલા લોકોના ટોળાએ અજય સાલ્વીને ઘેરી લીધો હતો અને તેની પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા અજય સાલ્વીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. જાહેર રોડ પર અને પોલીસ ચોકી સામે આચરાયેલા આ ભયાનક ગુનાને પગલે પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવી હુમલાખોરોની ઓળખ સનિશ્ચિત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર 8થી 10 આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો