આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ વધી છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા અને ધમકી આપવાના કેસમાં ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટે સુનાવણી બાદ તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.  

કેસની ગંભીરતા જોતા જામીન ફગાવાયા

ગુજરાત હાઇકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, આરોપી સામે લાગેલા આક્ષેપો અને કેસની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. લોકપ્રતિનિધિ તરીકે આવા ગંભીર ગુનામાં સામેલગીરી અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો ઇન્કાર કરી અરજી ફગાવી દીધી છે.

વનકર્મી પર હુમલા અને ખંડણીના આરોપ અંગેનો સમગ્ર મામલો

આ સમગ્ર વિવાદ 2023 માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન જમીન પરના દબાણ હટાવવાની ઝુંબેશ બાદ શરૂ થયો હતો. આક્ષેપ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે મારપીટ કરી હતી, હવામાં ગોળીબાર કરી ધમકાવ્યા હતા અને નાણાંની માગ કરી હતી. આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી.

નિચલી અદાલતે ફટકારેલી 7 વર્ષની કેદની સજા

રાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિતના આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ નીચલી અદાલતના ચુકાદા અને સજા સામે ચૈતર વસાવાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં હવે તેમની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.


આ પણ વાંચો - Ahmedabad News: રાજ્ય સરકારે ચૈતર વસાવાની જામીન અરજીનો વિરોધ કર્યો, ગુનાનું લિસ્ટ કોર્ટને સોંપાયું