અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને બિસ્માર બની ગઈ છે. શહેરીજનોને ખાડામાંથી મુક્તિ અપાવવા માટે અગાઉ ખુદ મેયર દ્વારા અઠવાડિયામાં તમામ રસ્તાઓ રિપેર કરી દેવાની મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જોકે, જમીની હકીકત એ છે કે તંત્રની મોટી મોટી વાતો અને દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા છે અને શહેરમાં AMC ના રોડ રિસરફેસિંગના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

ગોતા સહિતના અનેક રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય

તંત્ર દ્વારા ગત 24 સપ્ટેમ્બરના રોજ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં, શહેરમાં સ્થિતિ સુધરવાનું નામ નથી રહી. ખાસ કરીને ગોતા વિસ્તારની વાત કરીએ તો ત્યાંના માર્ગોની હાલત એટલી ખરાબ છે કે 'ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા' તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે. વાહનચાલકોને આ બિસ્માર રસ્તાઓ પરથી પસાર થતી વખતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે કમરના દર્દો અને વાહનોના નુકસાનની ફરિયાદો પણ વધી ગઈ છે.

કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કડક સૂચનાઓ આપવા છતાં કામગીરી અધૂરી અને નબળી ગુણવત્તાવાળી થઈ રહી છે. તંત્રની આ ઉદાસીનતા અને લાપરવાહીના કારણે સામાન્ય જનતામાં AMC ની કામગીરી સામે તીવ્ર નારાજગી જોવા મળી રહી છે. જો આગામી સમયમાં રસ્તાઓનું સંતોષકારક રિસરફેસિંગ કામ નહીં થાય તો નાગરિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rajkotના શાપરમાં રખડતા શ્વાનનો આતંક, શ્વાનના બચકાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત!