અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માગણીઓને લઈને રિક્ષાચાલક યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી હડતાળના બીજા દિવસે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સાબરમતી જેવા કેટલાક વિસ્તારો બાદ કરતાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ હડતાળનો ફિયાસકો થયો હોય તેમ રિક્ષાચાલકોએ પોતાની રોજીરોટી ચાલુ રાખી હતી. પરિણામે, હડતાળના બીજા દિવસે મુસાફરોને પડનારી હાલાકીમાં ઘણો ઘટાડો નોંધાયો હતો અને મુખ્ય માર્ગો પર રિક્ષાઓ રાબેતા મુજબ દોડતી નજરે પડી હતી.
રાણીપ અને અખબારનગરમાં રિક્ષાઓ શરૂ
વિગતવાર માહિતી મુજબ, રાણીપ, અખબારનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી જ રિક્ષાચાલકોએ હડતાળથી અળગા રહીને પોતાનો વ્યવસાય શરૂ કરી દીધો હતો. બીજી તરફ, સાબરમતી વિસ્તારમાં સ્થાનિક રિક્ષાચાલકો હડતાળના સમર્થનમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ સિવાયના મોટા ભાગના વિસ્તારોમાં ચાલકોએ આર્થિક નુકસાન વેઠવાનો ઇનકાર કરીને વાહન વ્યવહાર ચાલુ રાખતાં હડતાળનું જોર એકાએક ઘટી ગયું હતું.
