અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોની ખરીદીનો માહોલ જામી રહ્યો છે ત્યારે શહેરના સૌથી વ્યસ્ત અને અગ્રણી વ્યાપારી હબ ગણાતા બાપુનગર વિસ્તારના વેપારીઓ દ્વારા તંત્ર સમક્ષ વિશેષ રજૂઆત કરવામાં આવી છે. દિવાળી ટાણે બાપુનગર ચાર રસ્તા અને આસપાસના બજારોમાં લાખો લોકો ખરીદી માટે ઉમટી પડતા હોવાથી ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે વેપારી એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને સત્તાવાર પત્ર પાઠવીને વહેલી તકે યોગ્ય આયોજન કરવા માંગ કરાઈ છે.
પાથરણા અને લારીઓના ધસારા પર નિયંત્રણની માંગ
તહેવારોની મોસમમાં બાપુનગરના માર્ગો પર અચાનક પાથરણા અને લારીઓનો ભારે ધસારો વધી જતો હોય છે, જેના કારણે મુખ્ય રસ્તાઓ બ્લોક થઈ જાય છે અને ખરીદી કરવા આવતા ગ્રાહકોને મુશ્કેલી પડે છે. વેપારીઓએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક નિયમન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ નાના વેપારી કે ફેરિયાને રોજગારી બાબતે આર્થિક નુકસાન ન થાય, પરંતુ સાથે જ બજારમાં અરાજકતા પણ ન ફેલાય તેવું સમતોલ આયોજન કરવું જોઈએ.
