અમદાવાદ શહેરમાં નાગરિકોની સુવિધા માટે કરવામાં આવતા વિકાસ કાર્યો ઘણીવાર પ્રજા માટે જ માથાનો દુખાવો સાબિત થતા હોય છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીથી PRL તરફ જતા મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વૉટર લાઈન નાખવાની કામગીરી અર્થે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ મુખ્ય માર્ગ બંધ થવાને કારણે યુનિવર્સિટી આવતા વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોમાસું પૂરું થતાં જ તંત્રની આંખ ઉઘડી
સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે આખો ચોમાસાનો સમય પૂરો થઈ ગયો અને વરસાદ વિદાય લઈ ચૂક્યો છે, ત્યારે તંત્રને અચાનક વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી યાદ આવી છે. અગાઉ ચોમાસા દરમિયાન નાગરિકોએ પાણી ભરાવાની જે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે કોઈ નક્કર કામગીરી ન કરનાર તંત્ર હવે સિઝન પૂરી થયા બાદ ખોદકામ કરવા બેઠું છે. આ પ્રકારની મોડી અને અવ્યવસ્થિત કામગીરીથી વહીવટી તંત્રના આયોજન સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
