અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં વાહનચાલકોની અગવડ દૂર કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે રસ્તા પર ફેરિયાઓ કે લારી ધારકો પોતાની લારી ઊભી રાખી શકશે નહીં. વર્ષોથી આ જ સ્થળો પર વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો માટે AMC નો આ આદેશ મોટો ફટકો સાબિત થયો છે. તંત્રના આ નિર્ણય સામે ફેરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર સીધો તેમની રોજીરોટી પર ઘા કર્યો છે.

કાલુપુર અને જમાલપુરમાં સ્થિતિ ઠેરની ઠેર

કોર્પોરેશનના આ કડક આદેશ બાદ પરિસ્થિતિનું સત્ય જાણવા માટે હાથ ધરવામાં આવેલા ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. AMC ના નિર્ણય છતાં શહેરના અતિ વ્યસ્ત એવા કાલુપુર અને જમાલપુર વિસ્તારમાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. મુખ્ય રસ્તાઓ પર આજે પણ લારી ધારકોનો પૂર્વવત જમાવડો જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહનચાલકોને ટ્રાફિક જામની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રના આદેશ અને રસ્તા પરની વાસ્તવિકતા વચ્ચે મોટો વિરોધાભાસ છતો થયો છે.

હજારો પરિવારો પર અંધારું છવાઈ જવાનો ભય અને કાયમી ઉકેલની માંગ

એક તરફ ટ્રાફિક મુક્ત રસ્તાઓ માટે તંત્રનો દાવો છે, તો બીજી તરફ લારી ધારકોનો વિરોધ વધુ તીવ્ર બની રહ્યો છે. ફેરિયાઓનું કહેવું છે કે જો તેમને રસ્તા પરથી અચાનક હટાવી દેવામાં આવશે, તો 1000s થી વધુ પરિવારોના ઘરમાં અંધારું છવાઈ જશે અને તેમના બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થશે. યોગ્ય વેન્ડિંગ ઝોનની ફાળવણી વગર લેવાયેલા આ નિર્ણયથી લારી ધારકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabadમાં વટવામાં તલવારો સાથે અસામાજિક તત્વોનો આતંક, અનેક વાહનોમાં તોડફોડ કરી 5 શખ્સો ફરાર