દાણીલીમડામાં નોકરીથી ઘરે જઇ રહેલ યુવકને ત્રણ શખ્સોએ છરી બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવક ખેતરમાં ભાગી ગયો હતો અને પિતાને જાણ કરી હતી. ત્યારે પિતા પણ ઘટના સ્થળે પહોચ્યા ત્યારે ત્રણેય શખ્સોએ પિતાને છરીના ઘા માર્યા હતા. બાદમાં ત્રણેય લૂંટારુઓ ભાગી ગયા હતા. આ અંગે યુવકના પિતાએ ત્રણેય શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દાણીલીમડામાં રહેતો મોહમ્મદ આરીફ્ કુરેશી ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 11 જુલાઇએ તેમનો પુત્ર સાહિલ રાત્રીના સમયે કોઝી હોટલની પાછળ ચાલતો નોકરીથી ઘરે જતો હતો. ત્યારે ઇલાબેનના ફાર્મ પાસે પહોંચ્યો તે સમયે ત્રણ શખ્સો સાહિલને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા આપી દેવાનું કહ્યું હતું. જેથી સાહિલે ગભરાઇને ખેતરમાં ભાગ્યો અને પિતાને ફોન કરીને બનાવ અંગેની જાણ કરી હતી. ત્યારે ત્રણેય શખ્સોએ સાહિલનો પીછો કરીને પકડીને મારવા લાગ્યા હતા. આ દરમ્યાન સાહિલના પિતા મોહમંદ આરીફ્ આવી પહોંચ્યા અને પુત્રને વધુ મારથી બચાવવા જતા લૂંટારુઓએ તેમને પણ છરીના ઘા માર્યા હતા. બાદમાં ત્રણેય લૂંટારુઓ નાસી ગયા હતા. લૂંટારુઓમાંથી એકનું નામ ફરદીન છે અને તે અને તેના સાથીદારો આ વિસ્તારમાં વારંવાર આ પ્રકારનો ગુનો આચરે છે. આ અંગે આરીફભાઇએ ત્રણેય શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










