એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દાખલો લેવા ગયેલ યુવક યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી.
ત્યારબાદ બન્નેએ મહિલા કોન્સ્ટેબલને ફ્ટકારી હતી. જેમાં યુવકનો એરપોર્ટ એન્ટ્રી પાસ ખોવાઇ ગયો હોવાથી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરાવેલ હતી તેનો દાખલો લેવા ગયા હતા. આ અંગે મહિલા પોલીસકર્મીએ બન્ને સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે લીલાબેન વસરામભાઇ ફ્રજ બજાવે છે. તેઓનું કામ મીસીલીયન્સ ટેબલ પર હોય છે. સોમવારે સવારે લીલાબેન પોતાની ફ્રજ પર હાજર હતા ત્યારે કલોલની હીમાક્ષીબેન વાઘેલા અને કલોલનો ઓમ શ્રીવાસ્તવ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારો એરપોર્ટ એન્ટ્રી પાસ ખોવાઇ ગયો છે. જેની એન્ટ્રી અમોએ ગઇકાલે કરાવી હતી. તેથી તેનો દાખલો અમારે જોઇએ છે. જેથી લીલાબેને બન્નેને થોડી વાર બેસવાનું કહેતા હતા અને તેઓ પોતાનું કામ કરવા લાગ્યા હતા. ત્યારે બન્નેએ ઉશ્કેરાઇને તમે કેમ બેસવાનું કહો છો અમે બધા કાયદા જાણીએ છીએ. તમને નોકરીમાંથી કઢાવી દઇશું. અમારે મોડુ થાય છે અત્યારે જ અમને અમારો દાખલો આપો. જેથી લીલાબેને જણાવ્યું કે, હાલ મારાહાથ પર જે કામ છે તે પુરુ કરી પછી તમને દાખલો બનાવી આપું છું. આટલું કહેતા બન્નેએ ગાળો બોલી લીલાબેન પાસે આવીને ઝપાઝપી કરતા લીલાબેનને લોહી નિકળવા લાગ્યું હતું. બૂમાબૂમ થતા અન્ય પોલીસ કર્મચારીઓ આવી ગયા હતા અને બન્નેને ઝડપી લીધા હતા. આ અંગે લીલાબેને બંને સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધવતા પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.