શાહપુરમાં બે મહિલા સહિત પાંચ વ્યાજખોર અને પૂર્વ મકાન માલિકના ત્રાસથી કંટાળીને યુવકે ફ્નિાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તમામને યુવકે રૂપિયા ચૂકવ્યા છતા વધુ વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરીને મારી નાખવાની અને તેના છોકરાને ઉપાડી જવાની ધમકી આપતા હતા. આ અંગે યુવકે તમામ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શાહપુરમાં રહેતા હાર્દિકભાઇ દત્ત ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્યારે પહેલા ચાંદલોડિયા ભાડેથી રહેતા હતા ત્યારે બે વર્ષ અગાઉ અમદાવાદથી શિમલાની ટુર ઉપાડી હતી. તેમાં નુકસાન થતા ઓળખીતા વિકાસ દાતણીયા પાસેથી રૂ. 1.20 લાખ, દિપીકાબેન દાતણીયા પાસેથી રૂ. 2.50 લાખ, મીનાબેન દાતણીયા પાસેથી રૂ. 2.10 લાખ, જીગર પરમાર પાસેથી રૂ. 80 હજાર, ભાવિન પટેલ પાસેથી રૂ. 2 લાખ વ્યાજે લીધા હતા. જે બાદ હાર્દિકે તમામને ટુકડે-ટુકડે મૂકી અને વ્યાજ ચૂકવ્યુ હતુ. છતા તમામે વ્યાજની ઉઘરાણી કરીને વધુ વ્યાજની માંગણી કરતા હતા. આટલું જ નહિ તમામ હાર્દિકના ઘરે આવીને જાનથી મારી નાખવાની અને રૂપિયા નહિ આપે તો તારા છોકરાને પણ મારી નાખવાની ધમકી આપતા હતા. ઉપરાંત પૂર્વ મકાનમાલિક ઇશ્વર રબારી પણ બે ભાડાના રૂપિયા બાકી છે કહીને તને અને તારા છોકરાને ઉપાડી જવાની ધમકી આપતો હતો. ત્યારે કંટાળીને યુવકે ફ્નિાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉલ્ટીઓ થતા તેની માતા આવી જતા સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો આ અંગે યુવકે છલોકો સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










