શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં નિકોલમાં ભક્તિ સર્કલ પાસે દંપતી ચાલતુ જતુ હતુ.
તે સમયે પુરઝડપે આવી રહેલ કારચાલકે યુવકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બીજી ઘટનામાં અસલાલીના મહિજડા પાટિયા પાસે ડમ્પરચાલકે એક્ટિવાને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં પોલીસે ગુનો નોંધ્યો છે.
નિકોલમાં રહેતા 35 વર્ષીય અમિતકુમાર પટેલ કન્સ્ટ્રક્શન લાઇનમાં નોકરી કરતા હતા. ગત 26 નવેમ્બરે રાત્રીના સમયે તેઓ પત્ની સાથે ચાલવા નીકળ્યા હતા. ત્યારે દંપતી નિકોલ રીંગરોડ ભક્તિ સર્કલ સર્વિસ રોડ પર પહોચ્યું તે સમયે પૂરઝડપે આવી રહેલા કારચાલકે અમિતકુમારને અડફેટે લેતાં તેઓ ફ્ંગોળાઇને રોડ પર પટકાતા ઘટના સ્થળે જ તમનું મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થતા કારચાલક કાર લઇને નાસી ગયો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં દસ્ક્રોઇના નવાપુરામાં રહેતો 18 વર્ષીય સુમીત ચુનારા ખેતરમાં શાકભાજીની ખેતીમાં મજૂરીકામ કરતો હતો. ગત 25 નવેમ્બરે ખેતરમાં કામ કરતા મજૂરો માટે એક્ટિવા લઇને ચા લેવા જતો હતો. ત્યારે મહીજડા પાટીયા પાસે પુરઝડપે આવી રહેલ ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારતા સુમીત રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન સુમિતનું મોત નિપજ્યુ હતુ. આ અંગે અસલાલી પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.