ગુજરાતના મેગાસિટી અમદાવાદ (Ahmedabad) માં શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી રોડ, બ્રિજ અને અન્ય મોટા કન્સ્ટ્રક્શન (Construction Work) ની કામગીરીને કારણે વાતાવરણમાં ધૂળના રજકણો અને પ્રદૂષણનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. પરિણામે શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (Air Quality Index - AQI) 150ના આંકડાને પાર કરી ગયો છે, જે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.

એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ 179 AQI નોંધાયો

પ્રદૂષણના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદના એરપોર્ટ (Airport Area) વિસ્તારમાં સૌથી વધુ 179 AQI નોંધાયો છે, જે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બન્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર કઠવાડા (Kathwada) માં 168 અને ગ્યાસપુર (Gyaspur) માં 160 AQI નોંધાયો છે. શહેરના અન્ય મુખ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ સારી નથી, જ્યાં શાહીબાગમાં 157, સરખેજમાં 156 અને રાયખડમાં 153 AQI નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા બોપલ (Bopal) અને સોલા (Sola) માં 152 તેમજ ચાંદખેડા (Chandkheda) માં 151 AQI નોંધાતા સમગ્ર શહેર પ્રદૂષણની ચાદરમાં લપેટાયેલું જોવા મળી રહ્યું છે.

શહેરની હવાની ગુણવત્તાને લઈને ચિંતા વધી

વિકાસના કાર્યોની આડમાં નિયમોનું પાલન કર્યા વિના થતા ખોદકામ અને બાંધકામને કારણે ઉડતી ધૂળ શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરી રહી છે. હવાની ગુણવત્તા સતત બગડતા તબીબો દ્વારા બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. નાગરિકોમાં પણ આ વધતા પ્રદૂષણને લઈને ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે, અને મહાનગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ધૂળ ઉડતી અટકાવવા માટે કડક નિયમોનો અમલ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Weather Forecast : રાજ્યમાં મિશ્ર ઋતુની શરૂઆત, આજ રાતથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગની આગાહી