અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની તસ્કરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુવૈતથી કુવૈત એરવેઝની ફ્લાઇટ નંબર KU-347 મારફતે અમદાવાદ પહોંચેલા એક દંપતી પાસેથી એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) ના અધિકારીઓએ કસ્ટમ્સ ચેકિંગ દરમિયાન રૂ. 47 લાખની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે.
કપડાં, બેગ અને પર્સ નીચે સોનું છુપાવ્યું હતું
એરપોર્ટ પર તૈનાત AIU ના અધિકારીઓએ શંકાસ્પદ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે દંપતીને અટકાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. સઘન ચકાસણી દરમિયાન મહિલાએ પોતાની બેગ, પર્સ અને કપડાંની નીચે સોનું છુપાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પુરુષ મુસાફરે પણ પોતાના કપડાં નીચે સોનાની ચેઈન છુપાવી રાખી હતી. દંપતી પાસેથી કુલ 308.710 ગ્રામ વજન ધરાવતું 24 કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું હતું.

